કાછલ ગામે પ્રકૃતિપર્વ “વાઘબારસ”ની ઉજવણી કરવામાં આવી.
સુરત,મહુવા:–આદિવાસી સમાજમાં દરેક તહેવારો પ્રકૃતિ સાથે વણાયેલા હોય છે. દિવાળીના તહેવાર સાથે સંકળાયેલ “વાઘબારસ” નો તહેવાર આદિવાસી સમાજ વિશિષ્ટ રીતે ઉજવતો હોય છે. મહુવા તાલુકાના કાછલ ગામે પણ ગામના ગોવાળિયાઓ તેમજ ગ્રામજનો ભેગા થઈને ગામના પશુધનની વન્યપ્રાણીઓ થી રક્ષા કાજે તેમજ પશુઓ કોઈ રોગનો ભોગ ન બને અને ગ્રામજનોની સુખ શાંતિ સલામતી માટે હર્ષોઉલ્લાસ પૂર્વક “વાઘબારસની”ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજમાં વાઘબારસનો તહેવાર પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો હોય છે. ગામનું પશુધન જંગલમાં ચારો ચરવા જતા હોય છે તેની સાથે ગોવાળો પણ જતા હોય છે અને ખેતી કરવા માટે ખેડૂતો ખેતરે જતા હોય છે આ બધાને વન્યપ્રાણીઓ થી રક્ષણ માટે તે હેતુથી ગ્રામજનો ભેગા મળીને જંગલમાં વાઘદેવના થાનકની સ્થાપના કરીને પ્રતિકાત્મક રીતે ગોવાળો વાઘ અને ફાલુડી બનીને ફટાકડાઓ ફોડીને આ તહેવારો ઉજવતા હોય છે. આ નિમિત્તે તેઓ જુવારના લોટને પાંદડા માં અંગારા ઉપર શેકીને પાનકા બનાવીને ખાતા હોય છે તેમજ ઘરે પશુઓને બાંધવાની જગ્યામાં જીવ જંતુઓ ના આવે અને કોઈ રોગ ન આવે એ માટે વિવિધ પ્રકારની જંગલીઓ ઔષધિઓ ભેગી કરીને દ્રાવણ બનાવીને એ પ્રવાહી દ્રાવણ તે જગ્યા ઉપર છાંટીને તે જગ્યાને જંતુમુક્ત બનાવે છે. તેમજ ગામના ભગત દ્વારા ગામના પશુધનની અને ગ્રામજનોની સલામતી માટે ગામના તમામ દેવોને યાદ કરીને વિશિષ્ટ પૂંજ મૂકવામાં આવે છે આમ દર વર્ષે કાછલ ગામે ગ્રામજનો ભેગા થઈને વાઘરબારસની ઉજવણી કરતા આવીને આદિવાસી સમાજની આ પરંપરાને જીવંત રાખી છે.