સેવા સેતુ એટલે ‘ઘેર બેઠાં ગંગા’: લાભાર્થી દિનેશભાઈ પ્રજાપતિ
માત્ર ૪૫ મિનીટમાં આવકનો દાખલો મળતા દિનેશભાઈએ સેવાસેતુની ઝડપી કામગીરીને બિરદાવી
સુરત:શુક્રવાર: ‘સામાન્ય નાગરિકોને સરકારી કચેરીમાં જઈ જે કામો કરાવવામાં મુશ્કેલી પડતી હતી, એ અહી નજીવા સમયમાં થઈ શકે છે. સાથે માહિતી, માર્ગદર્શન અને વિવિધ યોજનાકીય જ્ઞાન મળે તે વધારાનો ફાયદો છે’.. આ શબ્દો સાથે સેવા સેતુ કાર્યક્રમમાં આવેલા લાભાર્થી દિનેશભાઈ પ્રજાપતિએ સેવા સેતુ કાર્યક્રમથી સરકારના પ્રજાલક્ષી અભિગમને બિરદાવ્યો હતો.
૫૧ વર્ષીય દિનેશભાઈ ગોપાલભાઈ પ્રજાપતિ કતારગામની શિવદર્શન સોસાયટીમાં રહે છે. તેઓ ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે સેવા સેતુમાં ૪૫ મિનીટમાં આવકનો દાખલો મેળવ્યો હતો. સેવા સેતુ એટલે ‘ઘેર બેઠાં ગંગા’ એવા ઉદ્દગાર સાથે જણાવ્યું કે. લાભાર્થી દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, સેવા સેતુએ અમારા જેવા મધ્યમવર્ગના નાગરિકોને સરકારી કચેરીઓના બિનજરૂરી ધક્કાઓ ખાવામાંથી મુક્તિ અપાવી છે. સરકારી યોજનાઓમાં આવકના દાખલાની હવે અવારનવાર જરૂર રહે છે. જેથી મારે આવકના દાખલાની જરૂરિયાત હતી. અમારા વિસ્તારમાં સેવા સેતુ યોજાવાનો છે, એની જાણકારી મળતા અહીં આવ્યો, માટે જરૂરી દસ્તાવેજો એકઠાં કરી રાખ્યા હતા. સરકારી કર્મચારીઓએ ફોર્મ ભરવામાં અને જરૂરી પુરાવાની નકલો માટે ખૂબ સારી મદદ કરી હતી.
નોંધનીય છે કે, પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજાજનોને ઘર આંગણે પહોંચાડવા રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમનો નવતર અભિગમ અપનાવ્યો છે. સેવા સેતુના માધ્યમથી નાગરિકોને રાજય સરકારની ૫૫ જેટલી વ્યકિતલક્ષી સેવાઓના લાભો એક જ સ્થળેથી આપવામાં આવે છે. જેના પરિણામે ગ્રામજનોને તાલુકા કક્ષાએ અને શહેરવાસીઓને મામલતદાર કચેરીઓ કે જિલ્લા સેવા સદન સુધી ધકકા ખાવા પડતા નથી. એટલું જ નહી નાણાં અને સમયનો વ્યય પણ થતો નથી.