વાહનોના પીયુસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા રાજ્યના ૨૧ તાલુકાઓમાં PUCના અદ્યતન મોડ્યુલ PUCC 2.0નું અમલીકરણ
વાયુ પ્રદૂષિત થવાના મુખ્ય પરીબળોમાં વાહનો દ્વારા થતું ઉત્સર્જનએ એક મહત્વનું પરિબળ છે. વાહનોમાં ઈંધણ બળવાનાં કારણે નીકળતા ધુમાડામાં રહેલા પ્રદૂષણકારક તત્વો નિયંત્રણમાં રહે તે હેતુથી વાહન માલીકે વાહનોના “પોલ્યુશન અન્ડર કંટ્રોલ” (PUC) પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવા માટેના અદ્યતન સોફ્ટવેર PUCC સોફ્ટવેર વર્ઝન 2.0 નું રાજ્યના ૨૧ તાલુકાઓમાં અમલીકરણ કરાયું છે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, પીયુસી પ્રમાણપત્ર સરકાર માન્ય પીયુસી સેન્ટરમાંથી મેળવવાનું હોય છે. પીયુસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા PUC મોડ્યુલને “PUCC સોફ્ટવેર વર્ઝન 2.0” (PUCC 2.0) અદ્યતન કરાયું છે. જેનો અમદાવાદ,અમદાવાદ-પૂર્વ, અમરેલી, અંજાર, ડાંગ, બાવળા, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ભુજ, ખેડા, નર્મદા, ગોધરા, પાટણ, પોરબંદર, સુરત અને વલસાડમાં અમલવારી કરાઈ છે. આગામી સમયમાં બાકીના જિલ્લાઓમાં પણ તેનો અમલ કરાશે.
આ પીયુસી સેન્ટરો દ્વારા PUCC સોફ્ટવેર વર્ઝન 2.0 મોબાઇલ એપ્લિકેશન મારફતે પીયુસી સર્ટિફિકેટ ઇસ્યુ કરાશે. પીયુસી સેન્ટરના ૩૦-૪૦ મીટરની ત્રિજ્યામાં જ PUC સર્ટિફિકેટ ઇસ્યુ થશે. વાહનની રજીસ્ટ્રેશન નંબર પ્લેટનો ફોટો, વાહનનો પીયુસી સેન્ટર સાથેનો ફોટો તથા વાહનનો ૪-૫ સેકન્ડનો શોર્ટ વિડિયો કેપ્ચર કરી “PUCC 2.0” સોફ્ટવેરમાં અપલોડ કરાશે. ત્યારબાદ જ પીયુસી સેન્ટરો દ્વારા સંબધિત વાહનનું PUC સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકાશે. પીયુસી સર્ટિફિકેટ હાલમાં પરિવહન પોર્ટલના PUC મોડયુલ મારફતે પીયુસી સેન્ટરમાંથી ઇસ્યુ કરવામાં આવે છે. જે વાહન સોફ્ટવેર ૪.૦ના ડેટાબેઝ સાથે ઇન્ટીગ્રેટ છે તેમ યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે.