‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના સંયુક્ત ઉપક્રમે “માદક દ્રવ્યોના વ્યસન તેમજ દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો: ૫૦ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો
સુરત:સોમવાર:‘નેહરુ યુવા કેન્દ્ર-સુરત’ અને ‘માય ભારત-સુરત’ના સંયુક્ત ઉપક્રમે સુરતના એપેરલ ટ્રેનિંગ એન્ડ ડિઝાઇન સેન્ટર(ATDC) ખાતે “માદક દ્રવ્યોના વ્યસન અને દુરૂપયોગ અંગે જાગૃતિ અને શિક્ષણ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૦ યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજના આધુનિક યુગમાં મોબાઇલના વધતા ચલણની સાથે સાયબર ક્રાઇમ, ડ્રગ્સ સહિતના દૂષણ પણ વધી રહ્યા છે. ત્યારે યુવાઓને આ પ્રકારના દરેક દૂષણોથી દૂર રાખવા જાગૃતિ ફેલાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવર્તન વ્યસન મુકિત કેન્દ્નના કાઉન્સિલર શ્રીમતી કલ્પનાબેન મહેતા અને સુનીતાબેન આહેરકાર દ્વારા ડ્રગ્સના પ્રકાર અને તેની આડઅસરો સહિતની તમામ માહિતી આપવામાં આવી હતી. તેમજ આસપાસ કે અન્ય કોઈ સ્થળે આ પ્રમાણે ડ્રગ્સનું વેચાણ થતું હોય તો પોલીસને માહિતગાર કરવા અનુરોધ કરાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કાઉન્સિલર શ્રીમતી કાંતાબેન જોગડિયા દ્વારા કાનૂની સહાય કેન્દ્ર દ્વારા સમાજના નબળા વર્ગોને ઝડપથી, સરળ, સક્ષમ અને મફત ન્યાય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગેની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહરુ યુવા કેન્દ્ર સંગઠનના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી, ઉજ્જવલ પરમાર, શ્રધ્ધા વગ્ગુ દ્વારા કરવામાં આવ્યું છે.