પોરબંદરના નવીબંદર તેમજ ગીર સોમનાથના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને રૂ. ૫૪.૫૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરાશે
મત્સ્ય ઉતરણ કેન્દ્રો અપગ્રેડ થવાથી પોરબંદર અને ગીર સોમનાથના ૩૫,૦૦૦થી વધુ માછીમારો તેમજ ૮,૦૦૦થી વધુ નાની-મોટી બોટોને સીધો લાભ થશે
મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા મત્સ્ય ઉતરણ કેન્દ્રોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ગુજરાત દેશનો સૌથી લાંબો આશરે ૧,૬૦૦ કિ.મી જેટલો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે ૧૦૭ જેટલા નાના-મોટા મત્સ્ય બંદરો અને મત્સ્ય ઉતરણ કેન્દ્રો કાર્યરત છે. ગુજરાતના અનેક નાગરીકો માટે માછીમારી એ આજીવિકાનું મોધ્યમ પણ છે. પરિણામે ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં દેશમાં મોખરે છે. ગુજરાતમાં દરિયાઈ પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી હોવાથી મત્સ્ય બંદરો અને ઉતરણ કેન્દ્રો ખાતે અદ્યતન માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે, તેમ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું,
મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, રાજ્યના મત્સ્ય બંદરો અને ઉતરણ કેન્દ્રોને અદ્યતન માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા માટે પોરબંદર જિલ્લાના નવીબંદર તેમજ ગીર સોમનાથ જિલ્લાના ધામલેજ અને હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રોને કુલ મળી રૂ. ૫૪.૫૦ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. ગીર સોમનાથના ધામલેજ મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૨૬.૪૦ કરોડથી વધુ, હિરાકોટ મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૧૪.૬૦ કરોડથી વધુ તેમજ પોરબંદરના નવીબંદર મત્સ્ય ઉતરણ કેન્દ્રને રૂ. ૧૩.૪૮ કરોડથી વધુના ખર્ચે અપગ્રેડ કરાશે.
મત્સ્ય ઉતરણ કેન્દ્રોની અપગ્રેડેશન અને આધુનિકરણની કામગીરીથી પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના આશરે ૩૫,૦૦૦થી વધુ માછીમારોને તેમજ ૮,૦૦૦થી વધુ નાની-મોટી બોટોને તેનો સીધો લાભ મળશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અપગ્રેડેશન કામગીરીમાં હાલ ૧૦૦ ટકા રાજ્ય પુરુસ્કૃત મત્સ્ય કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ આ ત્રણેય મત્સ્ય ઉતરણ કેન્દ્રો ખાતે પ્રોટેક્શન બંડ, સ્લોપીંગ હાર્ટ, ઇન્ટરનલ રોડ નેટવર્ક, ઓક્શન હોલ, નેટ મેન્ડીગ શેડ, શોર પ્રોટેક્શન, બોટ રીપેરીંગ શોપ, દરિયાઈ સિક્યુરિટીને લગત સુવિધાઓ, પાણીની સુવિધાનું નેટવર્ક, લાઈટીંગ સુવિધાઓ, ફાયર ફાઈટીંગને લગત સુવિધાઓ, ટોઈલેટ બ્લોક અને રેસ્ટ શેડ જેવી વિવિધ માળખાકીય સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવશે.