વિકાસ સપ્તાહ ૨૦૨૪ – સુરત જિલ્લો
ચોકબજાર કિલ્લાથી વિકાસ પદયાત્રાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
પદાધિકારી-અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ચોકના કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધી પદયાત્રામાં સહભાગી બન્યા
સુરત:શુક્રવાર: તા.૭થી ૧૫ દરમિયાન રાજ્યવ્યાપી ઉજવાઇ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરતના ઐતિહાસિક ચોકબજાર કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની ‘વિકાસ પદયાત્રા’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિવિધ બેનરો સાથે શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાણાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના સફળ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યએ વિકાસના નવા આયામ સર કર્યા છે. ૨૩ વર્ષ પહેલા શરૂ કરેલી વિકાસ યાત્રામાં ગરીબો-વંચિતોની સાથે બાળકો, મહિલાઓ, ખેડૂતો અને આદિમ જૂથ સહિતના નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી સૌના સહિયારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા,સેવાસેતુ જેવા અનેક વિકાસલક્ષી પ્રયાસો થકી ગુજરાતને સમગ્ર ભારતના મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના ઉત્તમ આયોજનને પગલે સૌર ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં મોખરે છે. અને હવે ‘કેચ ધ રેઇન’ પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણીના સંચયની કામગીરી માટે પણ રાજ્યસરકાર દ્વારા ઝડપભેર પ્રયાસો કરાઇ રહ્યા છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી સંદીપભાઈ દેસાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, અરવિંદભાઈ રાણા, સંગીતા પાટીલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલ, મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, ડે.મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજન પટેલ, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણીયાવાલા, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, વિવિધ સમિતિ અધ્યક્ષશ્રીઓ, કોર્પોરેટરો અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા