ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪: વંચિતોની નવી આશા
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં લિંબાયતના યોગેશ ચૌધરીને મળ્યો રૂ.૨૦ હજારનો આર્થિક સહારો
સુરત:મંગળવારઃ ગરીબ કલ્યાણ મેળાએ અનેક પરિવારોને આત્મનિર્ભરતાની નવી દિશા આપી છે. કતારગામમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં લિંબાયતના સંજય નગરના રહેવાસી યોગેશભાઇ ચૌધરીને સુરત મહાનગરપાલિકાના યુએસસીડી વિભાગ દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ રૂ.૨૦,૦૦૦ની લોન આપવામાં આવી હતી.
લાભાર્થી યોગેશભાઇએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, “સ્વનિધિ યોજનાથી મળેલી લોનથકી મારા શાકભાજીના વ્યવસાયને આગળ ધપાવવાનો માર્ગ મળી ગયો છે. પોતાના સંઘર્ષની વાત કરતાં વધુમાં ઉમેર્યું કે, “હું મધ્યમવર્ગીય પરિવારમાંથી આવું છું. છેલ્લા છ વર્ષથી શાકભાજી વેચવાનો વ્યવસાય કરી રહ્યો છું, જે મારા પરિવારના ભરણપોષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. મને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની જાણકારી મળી. ત્યારબાદ મહાનગરપાલિકાના યુએસસીડી વિભાગે સહાય કરી અને સહાય મેળવવાની રીત સમજાવી.”
આ લોનથી યોગેશભાઇએ તેમના શાકભાજીના ધંધાને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. તેઓ લારી મોટી કરીને વધુ સામાન વેચવાના ઈરાદા સાથે આગળ વધી રહ્યાં છે, જેનાથી તેમની આવકમાં વધારો થશે. યોગેશભાઇએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો કહ્યું કે, “આજે સરકાર નાનામાં નાના વ્યવસાય કરતા મારા જેવા લોકોને મદદ કરી રહી છે. તેમણે સૌ કોઈ જરૂરિયાતમંદોને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં સૌને સહયોગી બનવાની અપીલ કરી હતી.