રાજ્ય સરકારની સહાયથી ઓલપાડ તાલુકાના કોબા ગામના વતની એવા પશુપાલક શબાના અસ્લમ શેખ થયા આત્મનિર્ભર
સ્વરોજગારીના હેતુ માટે દુધાળા પશુઓ ખરીદવા માટેની લોન સહાય તથા સબસીડી થકી શબાના શેખ બન્યા સફળ મહિલા પશુપાલકઃ
મહિલા સશકિતકરણનું ઉદાહરણ બનતા શબાના શેખ: દરરોજનું ૧૦૦ લિટર દૂધ કોબા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરે છે
સુરતઃમાહિતી બ્યુરો:શનિવાર: મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે, સરકારે પશુપાલનને વેગવંતુ બનાવવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. નાના પાયે પશુપાલન કરતા પશુપાલકોને વધારે દુધાળા પશુઓ ખરીદવા માટે લોન સહાય તેમજ તબેલાના પાકા સ્ટ્રકચર ઉભા કરવા માટેની સબસીડી આપવામાં આવે છે, ત્યારે પશુપાલનના પરંપરાગત વ્યવસાયને સરકારની સહાયથી આધુનિક ટચ આપીને ઓલપાડની મુસ્લિમ સમાજની મહિલા પશુપાલન થકી આજે આર્થિક રીતે સદ્ધર બન્યા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કોબા ગામના વતની મહિલા સન્નારી એવા શબાના અસ્લમ શેખને સ્વરોજગારીના હેતુ માટે ૧૨ દુધાળા પશુ ડેરી ફાર્મ હેઠળ સહાય આપવામાં આવી છે. તેઓ દરરોજ ૧૦૦ લીટરનું દૂધ કોબા નજીકની દૂધ સહકારી મંડળીમાં જમા કરાવે છે. વાત કરતા શબાના શેખ કહે છે કે, પહેલા અમારી પાસે બે થી ત્રણ પશુઓ હતા. આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે પશુપાલનના એકમને વધારી શકતી ન હતી. ત્યારબાદ મારા પતિને ઓલપાડ તાલુકા મથકના પશુ દવાખાનેથી જાણવા મળ્યું કે, સરકાર પશુઓ ખરીદવા માટે સહાય અને સબસીડી આપે છે. જેથી અમે તત્કાલ ઓનલાઈન અરજી કરી હતી. જેમાં મારી વર્ષ ૨૦૨૩-૨૪માં અરજી મંજૂર થઈ.
તેઓ કહે છે કે, તબેલા માટે કુલ રૂા.૯.૮૦ લાખની લોન સહાય મંજૂર થતા ૧૨ દુધાળા પશુઓની ખરીદી કરી હતી. હાલ મારી પાસે કુલ ૧૬ જેટલા પશુઓ છે. સરકાર પાંચ વર્ષ સુધી લોનનું વ્યાજ પણ ચૂકવશે. રાજ્ય સરકાર દ્વારા રૂા.૪૩,૨૦૦ પશુ વીમાના તથા રૂા.૧.૫૦ લાખનો પાકો તબેલો બનાવવાની સહાય મળી છે. સાથે મને પાવર ચાફકટર યોજના હેઠળ મશીન ખરીદવા માટે રૂા.૧૮,૦૦૦ની સહાય મળી છે, જેનાથી મારા પશુઓને ચારો કાપીને ખવડાવવામાં સરળતા થઈ છે અને ચારાનો બગાડ ઓછો થયો છે.
તેઓ કહે છે કે, પહેલા મારી પાસે કાચો તબેલો હતો. યોજનાનો લાભ લીધા બાદ પાકા સ્ટ્રકચર સાથેનો તબેલો બનાવ્યો છે. જેથી પશુઓ માટે કાયમી અને મજબૂત આશ્રયસ્થાન ઉભું થયું છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ પશુપાલકોને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે ૧૨% વ્યાજ સહાય, પાકા તબેલાના બાંધકામ માટે ૫૦ ટકા રકમ આપવામાં આવે છે.