સુરત જિલ્લાના માંડવી તાલુકાના સુનિલભાઇ પાટીલે બિનપરંપરાગત સૌર ઊર્જાનો ઉપયોગ કરી ઘરનું વીજબીલ કર્યું શુન્યઃ
માંડવીના પાટીલ પરિવાર સરકારની પી.એમ.સૂર્ય ઘર વીજળી યોજના થકી સોલાર પેનલ લગાડી છેલ્લા ચાર વર્ષથી મેળવી રહ્યાં છે વિનામુલ્યે વીજળી
વીજળી બિલ શૂન્ય થયું સાથે વર્ષે રૂ.૧૫ થી ૨૦ હજારની આવક ઉભી થઈ છેઃ
સોલાર પેનલ લગાવાથી ફાયદો છે સાથે પ્રદુષણમુક્ત સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણના જતનમાં યોગદાન આપવાનું ગર્વ છેઃ
: લાભાર્થી સુનિલભાઇ પાટીલ
ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહેલું આપણું વિશ્વ તીવ્ર ઊર્જા અછત અનુભવી રહ્યું છે. ઉપરાંત પ્રદુષણની વૈશ્વિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વિશ્વના દેશો પુન:પ્રાપ્ય ઊર્જાના ઉપયોગ પર ગંભીર બન્યા છે. આ સમસ્યાને પહોંચી વળવા વીજ ઉત્પાદન, વીજ પ્રવહન અને વીજ વિતરણ વ્યવસ્થાને સુદૃઢ કરવાના ગુજરાત સરકારના મક્કમ નિર્ધાર સાથે નક્કર રોડમેપ દ્વારા ‘ગ્રીન ગુજરાત’ના પર્યાવરણલક્ષી લક્ષ્યાંકને વાસ્તવિકતા બનાવવા તરફ ગુજરાત સરકાર આગળ વધી રહ્યું છે. ત્યારે રાજ્યના રહેણાંક હેતુના વીજ ગ્રાહકોમાં સોલાર એનર્જીના વપરાશને વધારવાના હેતુથી સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પી.એમ.સુર્ય ,ઘર મફત વિજળી યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા સુનિલભાઇ ઝેડ.પાટીલે પી.એમ.સુર્ય ઘર યોજના (સોલાર રૂફ ટોપ) અંતર્ગત સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ કરી પોતાના ઘરનું વીજબીલ શૂન્ય કર્યું છે.
માંડવી તાલુકામાં પીએન પાર્ક સોસાયટીના બંગલાની અગાસી પર પર્યાવરણ પ્રત્યે જાગૃત પાટીલ પરિવારે ૪ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી કુદરતી સૌર ઉર્જાનો યથાર્થ ઉપયોગ કર્યો છે.
વીજબીલની ચિંતા કરવી પડતી નથી એમ ખુશી વ્યક્ત કરતાં સુનિલભાઇ કહે છે કે, સોલાર લગાવવામાં ફાયદો જ ફાયદો છે. વનટાઈમ ઈન્સ્ટોલમેન્ટમાં લાઈફ ટાઈમ વીજળી મળી રહે છે. મારા ઘરમાં ૨૦૨૦ના વર્ષમાં ૪ કિલો વોટની સોલાર પેનલ લગાવી છે. જેમાં કુલ ખર્ચે ૧.૬૧ લાખ થયો જેમાં રૂા.૪૦,૦૦૦ની સબસીડી સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી અમારા ઘરના રૂમ, ટીવી, ફ્રીજ, એ.સી.ના અને અન્ય જરૂરિયાત વપરાશનું વીજબીલ શૂન્ય થયું છે. અમારા ઘરના વાર્ષિક ૨૫૦૦ યુનિટના વપરાશ સામે બિનપરંપરાગત સૌર ઉર્જાના માધ્યમ થકી અમે અંદાજીત ૩૫૦૦ યુનિટ વીજળી પ્રાપ્ત કરી રહ્યા છીએ. હવે અમારે વીજબીલને લઈને ચિંતા કરવી પડતી નથી. સોલાર પેનલ લગાવાથી ફાયદો છે સાથે પ્રદુષણમુક્ત સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણના જતનમાં યોગદાન આપવાનું ગર્વ છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં તેઓ જણાવે છે કે, સોલાર પાવર જનરેટ થયા પછી બિલ તો નથી જ આવતું ઉપરથી વધારાના ઉત્પાદિત થતા યુનિટને વેચાણ કરીને કમાણી પણ કરી શકાય છે. તેમણે પોતે પોતાના ઘરમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ દ્વારા બચત થતી મૂડીની ગણતરી કરી કહ્યું કે, પહેલા ઘરનું ૨ મહિનાનું થઈને લગભગ રૂ.૨૫૦૦નું બિલ આવતું હતું. જે આજે શુન્ય થયું છે. પરંતુ ઉપરથી રૂ.૧૫ થી ૨૦ હજારની ક્રેડિટરૂપે આવક થઈ છે. આમ, સબસીડી સાથેની સોલાર સિસ્ટમ તમે નખાવો તો તમે તેનો ખર્ચ આરામથી ૪ થી ૫ વર્ષમાં કાઢી શકશો.
ઋતુ પ્રમાણે યુનિટના ઉત્પાદનમાં ફેરફાર
તેઓ જણાવે છે કે, ઉનાળામાં દિવસની લંબાઈ વધારે હોય અને ગરમી પણ વધારે હોય જેથી સોલાર દ્વારા વધારે વીજળી ઉત્પન્ન થાય છે. ૪ કિલોવોટમાં લગભગ દિવસના ૨૦ યુનિટ આસપાસ વીજળી ઉત્પન્ન થાય છે. શિયાળામાં દિવસ ટૂંકો હોવાથી ૧૦ થી ૧૫ યુનિટ વચ્ચે વિજળી ઉત્પન્ન થાય છે અને ચોમાસામાં વાદળછાયા વાતાવરણના કારણે ૭ થી ૮ યુનિટ વીજળી ઉત્પન્ન થાય છે.
સિસ્ટમ સરખી રીતે કાર્ય કરે તે માટે રાખવી પડતી ફક્ત એક જ કાળજીઃ
સોલાર સિસ્ટમ અપલોડ કર્યા પછી કાળજી એક જ રાખવાની છે કે દર અઠવાડીએ તેને વ્યવસ્થિત પાણીથી સાફ કરવી આવશ્યક છે. અત્યારે તો સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવો તેની સાથે જ મીની ફુવારા પણ પેનલ પર લગાવી શકાય છે.