દેશનો ત્રીજો કિસ્સો
સુરતના ઠુંમર પરિવારની માત્ર છ દિવસની નવજાત બાળકીના પાંચ અંગોના દાનથી ચાર ‘જીવનદીપ’ રોશન
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અઢારમું અંગદાન
લીવર, બંને કિડની અને બંને ચક્ષુઓના દાન
લીવરથી ૧૪ મહિનાના સુરતના બાળક અને બંને કિડનીથી અમદાવાદના ૧૦ વર્ષીય બાળકને નવજીવન
સુરત:રવિવાર: મૂળ સૌરાષ્ટ્રના ઢાંક ગામ, તા. ઉપલેટા, જિ. રાજકોટના વતની અને હાલ સુરત, સુખશાંતિ સોસાયટી, વેલંજા વિસ્તારમાં રહેતા મનીષાબેન મયુરભાઈ ઠુંમરની નવજાત બાળકીના અંગદાનથી ચાર જીવનમાં નવા રંગ ઉમેરાયા છે. સુરતમાં મયુરભાઈ પ્લંબિંગ મજુરી કામ સાથે સંકળાયેલા છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ખુબ ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે. લીવરથી ૧૪ મહિનાના સુરતના બાળક અને બંને કિડની અમદાવાદના ૧૦ વર્ષીય બાળકને કે જે ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે, અને સ્કૂલ હેલ્થ યોજના અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન મળ્યું છે.
ગત તા. ૨૩મીના રાત્રે ૮:૨૪ વાગ્યે મનીષાબેન મયુરભાઈ ઠુંમરને નોર્મલ ડિલીવરી સાથે કામરેજની હોસ્પિટલમાં ફિમેલ બેબી(બાળકી)નો જન્મ થયો હતો, ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી NICU વિભાગમાં બેબીની સારવાર શરુ કરવામાં આવી હતી.
ડાયમંડ હોસ્પિટલના ડો. અલ્પેશ સિંઘવી તથા ડો. મીનેશ ભીકડિયા એ તેની સારવાર શરુ કરી હતી, સઘન સારવાર બાદ તા. ૨૭/૦૯/૨૦૨૪નાં રોજ ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડૉ.મયંક દેત્રોજા, ડો.ઉર્જા લાડાણી દ્વારા બેબીને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ હતી.
બ્રેઈન ડેડ જાહેર થતાની સાથેજ ડાયમંડ હોસ્પીટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ પાગડા એ “એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે” ના સૂત્રને સાકાર કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવીયાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનાં ફાઉન્ડર પી. એમ. ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડો. નીલેશભાઈ કાછડીયા , તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી વાનાણી, દિનેશભાઈ નાવડિયા, માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્યણને આવકાર્યો હતો અને અંગદાન એજ સર્વ શ્રેષ્ઠદાન છે એવી સમજણ આપેલ હતી.
શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ, તો આપ આગળ વધો એવું મનીષાબેન મયુરભાઈ ઠુંમર સહીત સમગ્ર પરિવારના સભ્યોએ સહમત થઈ સંમતી આપી હતી.
આ પ્રક્રિયા માટે પરિવારજનોની સંમતી મળતા ગુજરાત સરકારની સોટો સંસ્થાના નો સંપર્ક કરી, ડાયમંડ હોસ્પિટલ માંથી સોટો માં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી. સોટો ગુજરાત દ્વારા લીવર – નાણાવટી હોસ્પિટલ, મુંબઈ અને બન્ને કિડની- IKDRC, અમદાવાદ, બંને ચક્ષુ- લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, અમદાવાદ એલોકેશન કરવામાં આવ્યું હતું.
ટીમ જીવનદીપ એ બેબીના માતા-પિતા અને સગા સંબંધીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો જેના દ્વારા બંને કિડની, લીવર, અને બંને આંખનું અંગદાન શક્ય બન્યું હતું.
અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. હરેશભાઈ પાગડા, ડો. નીલેશ કાછડિયા, ડો. અલ્પેશ સિંઘવી, ડો. મીનેશ ભીકડિયા, ડો. ક્રિષ્ના ભાલાળા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, સતિષ ભંડેરી, વૈઝુલ વિરાણી, સાગર કોરાટ, મિલન રાખોલિયા, સંજય તળાવીયા, અભિષેક સોનાણી અને સમગ્ર ડાયમંડ હોસ્પિટલ ટ્રસ્ટી ગણ તથા સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.
દેશના વિવિધ શહેરમાં ઓર્ગન સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં ડાયમંડ હોસ્પીટલ થી સુરત રેલવેસ્ટેશન સુધીનો ગ્રીનકોરીડોર તથા સુરત થી IKDRC, અમદાવાદ સુધીનો ગ્રીનકોરીડોર માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલ્વે ઓથોરીટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો.
પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ ૧૮મુ અંગદાન સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું.
વિશેષમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે અંગદાન માટે ઠુંમર પરિવાર દ્વારા અમારી સંસ્થા ઉપર અતૂટ વિશ્વાસ મૂકીને જૂની માનસિકતાઓથી દુર થઈ અંગદાન જાગૃતિના અભિયાનમાં સમગ્ર પરિવારના મોભી તથા યુવાનો સામેલ થયા હતા.
અંગદાતા બેબીના પરિવારમાં મયુરભાઈ રવજીભાઈ ઠુંમર (પિતા) મનીષાબેન મયુરભાઈ(માતા), ચેતનભાઈ(મોટા પપ્પા), રવજીભાઈ ઠુંમર(દાદા), કાંતાબેન (દાદી) અને સંગીતાબેન (ફઈ) છે.
અગાઉ ૧૦૦ કલાકના બાળકનું અંગદાન અને ૧૨૦ કલાકના બાળકનું અંગદાન પણ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશના માધ્યમથી થયું હતું , આજરોજ ભારતદેશમાં નાનીવયે ત્રીજું અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશનના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બન્યું હતું.