સુરત જિલ્લો: શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪
રાજ્ય સહિત સુરત જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ
માંગરોળ તાલુકાની ૩ શાળાઓના ૧૦૩ ભૂલકાઓ અને ધો.૯ અને ૧૧ના ૧૨૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા
પૂર્વ પ્રાથમિક શિક્ષણને વેગ આપવા તેમજ દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે ‘ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણ’ની થીમ સાથે સુરત જિલ્લા સહિત રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. જેના ભાગરૂપે ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાની ૨ શાળાઓમાં આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ના ૧૦૩ ભૂલકાઓ તેમજ આદર્શ નિવાસી શાળાના ધો.૯ અને ૧૧ના ૧૨૨ વિદ્યાર્થીઓનું નામાંકન કરાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ પ્રથમ વખત શાળાનું પગથિયું ચઢતા ભૂલકાઓને નોટબુક, બેગ, વૉટરબોટલ સહિતની અન્ય ભેટ આપી તેઓને પ્રોત્સાહન આપ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે દિકરીઓના શિક્ષણમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ છોડીને જતાં બાળકોનું પ્રમાણ ઘટ્યું છે. જેથી ગામ અને તાલુકામાં શિક્ષણનું પ્રમાણ વધે અને આખા સમાજનો વિકાસ થાય.
આ પ્રસંગે તરસાડી નગરપાલિકા પ્રમુખશ્રી કપિલાબેન પરમાર, સંગઠન પ્રમુખ કિશોરસિંહ, શાળાના કર્મચારી/શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
