લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના પ્રતિબંધો
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવા પર, ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટેટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી ઉપયોગ પર, સક્ષમ અધિકારીની પરવાનગી સિવાયના સ્થળોએ કે પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ સિવાય પણ નિયત સમયગાળા સિવાય લાઉડ સ્પીકરના ઉપયોગ પર તેમજ કોઈ પણ મતદાન વિસ્તારમાં મતદાન પૂર્ણ થયા અગાઉના ૪૮ કલાક દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોય લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો અમલ ધાર્મિક તહેવારો/સાંસ્કૃતિક ઉજવણીના પ્રસંગોએ આપેલ છૂટછાટ મુજબના સમયમાં લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો તા.૬/૬/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
