લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચાર કે તેથી વધુ વ્યક્તિઓ પર ભેગા થવા, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા, સભા કરવા/બોલાવવા, સરઘસ કાઢવા પર, સક્ષમ અધિકારીની પરવાનગી વગર સરઘસના આયોજન પર, ઉમેદવાર ઉમેદવારી પત્ર ભરવા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારી કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવા, એકપક્ષી સભા યોજી હોય તેવા સ્થળે બીજા પક્ષે સરઘસ લઈ જવા કે ખલેલ પહોંચાડવા પર, ચૂંટણીના સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદાઓ આધીન ધ્વજ,બેનર્સ કે કટ આઉટ રાખવા પર કે આ સરઘસમાં પક્ષ ઉમેદવારે પૂરા પાડેલ ટોપી, માસ્ક સિવાય સાડી, શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથે ઘેર ઘેર ચૂંટણી પ્રચાર માટે એક સાથે પાંચથી વધુ વ્યકતિના જવા પર, ચૂંટણી પ્રચાર પક્ષના કાર્યકરો નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવા બેનર પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉનહોલમાં, સ્મશાન યાત્રા, એસટી બસ, રેલ્વેમાં મુસાફરી કરતા, મંદિર મસ્જિદમાં પ્રાર્થના માટેના જતી વ્યક્તિઓ કે કામકાજના સ્થળે કામ કરતી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
