લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિલકતોને નુકશાન પહોંચાડવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં રાજકીય પક્ષો કે સમર્થકો દ્વારા જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણી લક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો/નિશાનીઓ લખી ચૂંટણીલક્ષી પ્રચાર કરી મિલ્કતને નુકશાન પહોંચાડવા પર, એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા અન્ય રાજકીય પક્ષની સભામાં પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરવા પર તેમજ એક પક્ષ દ્વારા લગાવાયેલ પોસ્ટરને બીજા પક્ષ દ્વારા દૂર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ જાહેર કે ખાનગી દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ‘જાહેર મકાન’ શબ્દ પ્રયોગ મિલ્કત, ધોરીમાર્ગ, અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, ચેતવણીરૂપ નોટિસ બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ કે જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શિત કરેલા અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ કરી શકાશે. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
