કાછલ ગામના સરપંચ કલ્પના ચૌધરીને દિલ્હી ખાતે “વોટર લીડર” નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે દિલ્હી ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલજીના અધ્યક્ષસ્થાને સ્વચ્છ અને સુજલ ગામ અંતર્ગત કાર્યકમ યોજાયો હતો જેમાં સમગ્ર ભારત દેશના ૨૯ સરપંચશ્રીઓને તેમની પાણી અને સ્વચ્છતા ઉપર કરવામાં આવેલી કામગીરીને ધ્યાને લઈને વિવિધ કેટેગરીના એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના કાછલ ગામના મહિલા સમરસ સરપંચ કલ્પનાબેન ચૌધરીને ગામમાં પીવાના પાણીની ઉત્કૃષ્ટ કામગીરીને લીધે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલજીના વરદ હસ્તે “વોટર લીડર” તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સ્ટેજ ઉપર એવોર્ડ એનાયત કરતા સમયે મંત્રીશ્રીએ કલ્પનાબેન ચૌધરીનો પરિચય મેળવ્યો હતો અને તેઓ સુરત જિલ્લાના છે એમ જાણતા તેઓને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં કેચ ધ રેઇન પ્રોજેક્ટ ઉપર કામ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. એવોર્ડ મળ્યા બાદ કલ્પનાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી મહિલા પાણી સમિતિએ ગામમાં પીવાના પાણી અંગે કરેલ કામગીરીને લીધે આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ હું કાછલ ગામના તમામ ગ્રામજનોને અર્પણ કરું છું આમ તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જળશક્તિ મંત્રાલયના સચિવ ડો.અશોક મીના, ભારતીય ગુણવત્તા પરિષદના અધ્યક્ષ જક્ષય શાહ પુંસરીના પૂર્વ સરપંચ હેમાશું પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાછલ ગામને સુજલ ગામ તરીકેનો એવોર્ડ મળ્યાના સમાચાર મળતા સમગ્ર ગામમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને ગ્રામજનોએ ગામના સરપંચશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
