જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના હસ્તે સુરત જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન
વિકાસ વાટિકા’માં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન
સુરત જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યું હતું.
જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત અને પ્રાદેશિક માહિતી કચેરી-સુરત દ્વારા સંપાદિત તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો તેમજ સિદ્ધિઓને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી, સાફલ્યગાથાઓનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, સાંસ્કૃતિક વિરાસત, વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ખાતમુહૂર્ત અને પ્રગતિમાં રહેલા કાર્યો, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના સુરત જિલ્લામાં યોજાયેલા કાર્યક્રમોની સચિત્ર માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી અને જિલ્લા આયોજન અધિકારીશ્રી આર.આર.ભાભોરના માર્ગદર્શનમાં પ્રકાશિત આ પુસ્તિકા સુરત જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન તેમજ સંદર્ભગ્રંથ બની રહેશે.
વિકાસ વાટિકાના વિમોચન પ્રસંગે વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, નાયબ માહિતી નિયામકશ્રી યુ.બી.બાવીસા, સહાયક માહિતી નિયામકશ્રી એમ.એમ.વેકરીયા, સિનીયર સબ એડિટરશ્રી પરેશ ટાપણીયા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
