કામરેજ તાલુકાના ઓરણા ગામે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ યોજાયું
જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની ૩૫ કૃતિઓ પ્રદર્શિત કરી
વિજ્ઞાન અને અધ્યાત્મ પરસ્પર પૂરક છે: આધ્યાત્મિકતા સાથે વિજ્ઞાનને જોડવાથી અદ્ભૂત પરિણામો મળે છે
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી સુષુપ્તશક્તિઓ, કળા-પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ
-: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
સુરત:ગુરૂવાર: જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-સુરત અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના માર્ગદર્શનમાં કામરેજ તાલુકા પંચાયત અને બી. આર.સી.-કામરેજ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં કામરેજ તાલુકાના ઓરણા ગામે તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ યોજાયું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની ૩૫ કૃતિઓ પ્રદર્શિત કરી હતી.
‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ની થીમ પર ઓરણા કેળવણી મંડળ સંચાલિત પટેલ રમણભાઈ સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયેલા બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં મંત્રીશ્રીએ બાળવૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા, અને આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને એવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રદર્શન થકી બાળકમાં રહેલી સુષુપ્તશક્તિઓ, કળા, પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે, તેમજ માનવ જીવનમાં આવતા પડકારો સામે વિજ્ઞાન મદદરૂપ થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વૈજ્ઞાનિક શોધ-સંશોધનોના આધારે દેશ આગળ વધે છે. એટલે જ રાજ્યનો શિક્ષણ વિભાગ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગે, ગણિત પ્રત્યે રસ ઉત્પન્ન થાય એવા આશયથી શાળાઓમાં દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનો યોજવા પ્રોત્સાહન આપે છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આપણી ભાવના શુદ્ધ હોય, યોગ્ય દિશામાં પરિશ્રમ કર્યો હોય તો સફળતા અવશ્ય મળશે જ. આપણા ઋષિ મુનિઓ જ્ઞાન વિજ્ઞાનમાં પારંગત હતા. તેમણે મહર્ષિ કણાદ, ઋષિ ભારદ્વાજના ઉદાહરણ આપતા કહ્યું કે, આપણા ઋષિમુનિઓ જ્ઞાનના ભંડાર સમાન હતા. આપણા વેદ-પુરાણોમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સાર્થક સમન્વય જોવા મળે છે. જે સમગ્ર વિશ્વને પ્રેરણા પૂરી પાડે છે. વિજ્ઞાન અને અધ્યાત્મ પરસ્પર પૂરક છે. આધ્યાત્મિકતા સાથે વિજ્ઞાનને જોડવાથી અદ્ભૂત પરિણામો મળે છે.
મંત્રીશ્રીએ શ્રેષ્ઠ માનવતાથી મોટું વિજ્ઞાન અન્ય બીજું કોઈ નથી એમ જણાવી ઉમેર્યું કે, વિજ્ઞાને પૃથ્વીના નિર્માણ પછી વિકાસની પરિભાષા બદલી નાખી છે.
પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જ્યોતિબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનો હેતુ સમજાવ્યો હતો.
શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી સૌને આવકાર્યા હતા. આ પ્રદર્શનમાં પ્રાકૃતિક ખેતી, સોલાર પાવર, સ્માર્ટ હોમ, સ્માર્ટ પરિવહન અને ટ્રાફિક મેનેજમેન્ટ, ફૂડ હેલ્થ એન્ડ હાઈઝીન, મેથેમેટિક મોડેલ એન્ડ કોમ્પ્યુટેશનલ થીંકીંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રોબોટિક એગ્રીકલ્ચર જેવા વિષયો પર વિજ્ઞાન કૃતિઓ રજૂ કરાઈ હતી, જે પૈકી વિજેતા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીએ શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. વિજેતા કૃતિઓ જિલ્લા કક્ષાએ યોજાનાર પ્રદર્શનમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, જિ.પં. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, દંડક મુકેશ રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશ પટેલ, સરપંચ ઝીણીબેન રાઠોડ, ઓરણા કેળવણી મંડળના પ્રમુખ ચેતનભાઈ ભક્ત, કામરેજ બી.આર.સી. કમલેશ પટેલ, સુરત જિલ્લા અને કામરેજ તાલુકાના શૈક્ષિક સંઘોના હોદ્દેદારો, પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, બી.આર.સી/સી.આર.સી., જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકો, બાળવૈજ્ઞાનિકો, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા