વિકાસ સપ્તાહ – અમદાવાદ શહેર
સાબરમતી રિવરફ્રન્ટ – દેશનો પ્રથમ રિવરફ્રન્ટ
શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવો રિવરફ્રન્ટ દેશ – વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર
પ્રતિમાસ લાખો મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ સાબરમતી રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું હબ
આઇકોનિક અટલ બ્રિજ, જૉય રાઇડ, રિવર ક્રુઝ, ચિલ્ડ્રન પાર્ક, સ્પોર્ટ્સ પાર્ક, બાયોડાઇવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર સાબરમતી રિવરફ્રન્ટની આગવી શોભા
રિવરફ્રન્ટ પ્રોજેક્ટને કારણે જ સાબરમતી નદી પુનર્જીવિત થઈ – શહેરીજનોની સુખાકારીમાં વધારો થયો
આલેખન – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ગુજરાતમાં વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. છેલ્લા અઢી દાયકામાં વિઝનરી લીડર તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશની રાજનીતિને બદલી છે અને તેઓના સુશાસન થકી ગુજરાત અને ભારતને વિશ્વવ્યાપી ઓળખ મળી છે. ૭મી ઓક્ટોબરે શ્રી નરેન્દ્રભાઈએ સત્તાના સુકાન સંભાળ્યાને ૨૩ વર્ષ પૂર્ણ થયાં. તે ઉપલક્ષ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ૭થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૪ દરમિયાન રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં અભૂતપૂર્વ અને અકલ્પનીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. સમગ્ર વિશ્વ જેને ડ્રીમ પ્રોજેક્ટ ઓફ પીએમ તરીકે બિરદાવે છે, એવો પ્રોજેક્ટ એટલે અમદાવાદની ધરતી પર આકાર પામેલો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ.
આજે માત્ર અમદાવાદ જ નહિ, સમગ્ર રાજ્યની શાન બની ગયેલા આ પ્રોજેક્ટે સાબરમતી નદીને પણ પુનઃ જીવિત કરી તેમ કહીએ તો ખોટું નથી. વીસ-પચીસ વર્ષ પહેલાં જો તમે અમદાવાદની સાબરમતી નદી જોઇ હોય તો તમને તરત જ આ વાત સમજાઈ જશે. એક સમયે ગટરની ગંદકી, ઝૂંપડપટ્ટી, કચરાના ઢગલાથી ઘેરાઈ ગયેલી સાબરમતી નદીમાં આ પ્રકારનો પ્રોજેક્ટ સાકાર કરવો સાચે જ ડ્રીમ સમાન જ હતું. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ ૨૦૧૨ સુધીમાં રૂ. ૪૫૫ કરોડના ખર્ચે નદીમાં વસવાટ કરતા ૧૦ હજારથી વધુ પરિવારોને સ્થળાંતરિત કરીને તેઓના પુનઃ વર્સન માટે રેસિડેન્શનલ કોલોની ત્યાર કરવામાં આવી છે, જેના કારણે આ પરિવારોની આર્થિક તેમજ સામાજિક સ્થિતિમાં સુધારો થયો છે.
અનેક પ્રકારની મુશ્કેલીઓ, અવરોધો અને વિરોધ વચ્ચે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વશક્તિએ આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જ વર્ષ ૨૦૦૫થી ૨૦૧૨ દરમિયાન આ યોજના ખરેખરી કાર્યાન્વિત થઈ અને દેશનો સર્વપ્રથમ એવો રિવરફ્રન્ટ – સાબરમતી રિવરફ્રન્ટ તૈયાર થયો. દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા રિવરફ્રન્ટની દર મહિને લાખો લોકો મુલાકાત લઈ રહ્યા છે.
આજે સાબરમતી રિવરફ્રન્ટ રાજ્યના આઇકોનિક સ્થળ તરીકે ઊભરી આવ્યો છે. રિવરફ્રન્ટ બનતાં તેના પર એક પછી એક નવાં નવાં આકર્ષણો ઉમેરાયાં છે. રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું હબ બનતું જાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ બ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે તો જૉય ઓફ રાઇડની હેલિકોપ્ટર સર્વિસ અને રિવર ક્રુઝે લોકોને ઘેલું લગાડ્યું છે. રિવરફ્રન્ટમાં એક તરફ સુંદર બાગ-બગીચા નિર્માણ પામ્યા છે તો બીજી તરફ સ્પોર્ટ્સ સંકુલ પણ વિકસ્યાં છે. રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શૉ હોય, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, ડ્રોન શૉ, મેરેથોન દોડ હોય કે સાઇકલિંગ રિવરફ્રન્ટ અબાલ-વૃદ્ધ સૌ માટે એક જાણીતું-માનીતું સ્થળ બની ચૂક્યું છે.
લોકો પરિવાર સાથે સમય પસાર કરી શકે, એવા સ્થળ તરીકે શરૂ થયેલો આ પ્રોજેક્ટથી શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ થઇ. રિવરફ્રન્ટ ફેઝ – ૧ અંતર્ગત ઇવેન્ટ સેન્ટર, ધોબી ઘાટ, ગુજરી બજાર, અંડરપાસ, ટ્રાફિકમુક્ત રસ્તાઓ તેમજ વિવિધ બાગ બગીચાના કાર્યો, બાયો ડાયવર્સિટી પાર્ક તેમજ મોટા પાયે વૃક્ષારોપણનાં કાર્યો પૂર્ણ કરાયાં છે. ઇવેન્ટ સેન્ટર, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે ફેસિલિટી પણ શરૂ કરાઈ છે.
સાબરમતી રિવરક્રન્ટ પ્રોજેક્ટ ફેઝ – ૨ અંર્તગત નદીની બન્ને બાજુ ડફનાળાથી ઈન્દિરાબ્રીજ સુધીના એવરેજ ૫.૫૦ કિ.મી.ની નદીની લંબાઇમાં (બન્ને બાજુ ઉપર કુલ ૧૧ કિ.મી.) ડેવલપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. અહીં મહત્તમ વૃક્ષો ઉગાડી ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેઝ-2 બનવાની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના મોટેરા સ્ટેડિયમ તેમજ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને પણ કનેક્ટિવિટી સાથે વિકસાવાશે.
સાબરમતી નદી પર રિવરફ્રન્ટ ફેઝ-2ની કામગીરી ચાલી રહી છે, એ અંતર્ગત સાબરમતી નદી પર પૂર્વ વિસ્તારમાં ગુજરાતનો સૌપ્રથમ રબર બેરેજ-કમ- બ્રિજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે, જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. સાબરમતી નદી પર રૂ. ૩૬૭ કરોડના ખર્ચે કોરિયન કંપની એક કિમીનો રબર બેરેજ-કમ-બ્રિજ બનાવશે એને કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરા થઈને સીધા એરપોર્ટ આવવા માટે સીધી કનેક્ટિવિટી મળશે.
આ ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે, જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે, જેમાં ઓટોમેટિક કન્ટ્રોલ સિસ્ટમ હોવાથી નદીના વહેતા પૂરને અવરોધ પણ નહિ થાય. આ સાથે એર ફિલ્ડ રબર બેરેજ બનાવવામાં આવશે. કોરિયન કંપની દ્વારા વોટર શેડ ડેવલપમેન્ટ હેઠળ આકસ્મિક સંજોગોમાં રો-વોટર સંગ્રહ કરવા તેમજ રોડ નેટવર્ક સુદૃઢ કરવા માટે ૬ માર્ગીય બેરેજ-કમ-બ્રિજ બનશે. બ્રિજ બંને તરફ ૧૨૬ મીટરની લોખંડની કમાનો, ૪૨ મીટરના સ્પાન હશે. બાકીના સ્પાન ગડર પ્રકારના હશે અને આ બ્રિજની કુલ લંબાઇ ૧ કિમી (૧૦૪૮.૦૮ મીટર) હશે.
સાબરમતી રિવરફ્રન્ટનાં મુખ્ય આકર્ષણો
રિવર ક્રૂઝ, સ્પીડ બોટ, કાયાકિંગ અને બોટિંગ જેવી એક્ટિવિટી અહીં ડેવલોપ કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ (વર્ષ ૨૦૦૬), રિવરફ્રન્ટ પરની હેપ્પી સ્ટ્રીટ (નવેમ્બર-ફેબ્રુઆરી), ફ્લાવર શો (ડિસેમ્બર-જાન્યુઆરી), રિવરફ્રન્ટ ફેસ્ટિવલ, નાઇટ મેરેથો, લેસર એન્ડ ફાયર ક્રેકર્સ શો, ઓપન એર મૂવી- મ્યુઝિકલ કોન્સર્ટ, ક્રુઝ- ફ્લોટિંગ રેસ્ટોરન્ટની મજા પણ અમદાવાદીઓ માણે છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર પાલડી વિસ્તારમાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જે ૩૬મી નેશનલ ગેમ્સ – ૨૦૨૨નું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું. આ સ્પોર્ટ્સ પાર્કમાં ટેનિસ કોર્ટ, પિકલ બોલ કોર્ટ/ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ/વોલી બોલ કોર્ટ, સ્કેટિંગ રિંક, સ્કેટ બોર્ડ, ક્રિકેટ પ્રેક્ટિસ પીચ, જોગિંગ ટ્રેક, મલ્ટિપલ રમતો માટે ખુલ્લો વિસ્તાર, ઓપન જિમ્નેશિયમ, ચિલ્ડ્રન પ્લે એરિયા તેમજ ફૂડ કોર્ટ પણ ઉપલબ્ધ છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્રીન ડેવલપમેન્ટ થીમ પર પાર્ક, ગાર્ડન અને અર્બન ફોરેસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે. અંદાજિત ૧૪.૩૦ હેક્ટર જમીનમાં ગ્રીન કવર અને મિયાવાકીનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. આ સાથે ૭૨ હજારથી વધુ વૃક્ષારોપણ અને ૨.૫ લાખ મિયાવાકી પ્લાન્ટ્સ જોવા મળશે. આ સિવાય ૧૨.૪૫ હેક્ટરમાં ૪ વિવિધ પલ્બિક પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ રિવરફ્રન્ટ માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ ગુજરાત સહિત દેશ આખા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.