કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાન-અઠવા અને જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન-અડાજણનું લોકાર્પણ
રૂ.૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂ.૨.૭૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા રવિશંકર મહારાજ ગાર્ડનને જનતા માટે ખૂલ્લા મુકાયા
કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એસ. ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ રૂ. ૧૨ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન અને રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ (વ્યાસ) ઉદ્યાનનું લોકાર્પણ કરાયું હતું.
આ ઉદ્યાનોમાં પાવડર કોટેડ સૌંદર્યલક્ષી ફેન્સિંગ, પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે વિશેષ ડિઝાઇન અને ફેબ્રિકેટ કરાયેલા ટર્ન-સ્ટાઇલ ગેટ, શારીરિક રીતે અક્ષમ લોકોને ઍક્સેસ મળી રહે તે માટે ડિઝાઇન કરેલ રેમ્પ, વિશાળ બેઠક ધરાવતો પ્લાઝા અને પેવેલિયન, અદ્યતન સાધનોવાળું બાળમંદિર (ચિલ્ડ્રન પ્લે એરિયા), ઓપન જીમ, આરોગ્યપ્રદ-સંપૂર્ણ રીતે વેન્ટિલેટેડ વોશરૂમ, દિવ્યાંગજનો માટેનો વિશેષ વોશરૂમ, RO પાણી અને વોટર કૂલર, વિવિધ કલા પ્રવૃત્તિઓ માટે એમ્ફીથિયેટર, આરામ માટે વિશિષ્ટ બેન્ચીસ, સિંચાઈ માટે બોરવેલ અને ભૂગર્ભ ટાંકી, સોફ્ટ લેન્ડસ્કેપ, યોગ સહિતની પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ લોન અને જૂના વૃક્ષોના સંરક્ષણ સાથે નવા વૃક્ષો અને ઔષધિય જાતોના છોડના વાવેતર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી પૂર્ણેશ મોદી, સંદિપ દેસાઈ, મનુ પટેલ, અરવિંદ રાણા, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણીયાવાલા, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.