મહુવાના પથરોણમાં તલવાર સાથે આવેલા ત્રણ તસ્કરોએ NRI ના……
સુરત,મહુવા:-મહુવા તાલુકાના પથરોણ ગામે રાત્રી દરમિયાન તલવાર લઈ ચોરી કરવા માટે આવેલ તસ્કરોના આતંકને લઈ ગ્રામજનોમા ફફડાટ ફેલાય ગયો છે.પથરોણ ગામે વિદેશમા રહેતા એનઆરઆઈના પાંચ બંધ ઘરના તાળા તોડી તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીને અંજામ આપ્યો હતો.તલવાર લઈ મોટરસાયકલ પર આવેલ ત્રણ તસ્કરો સીસીટીવીમા કેદ થઈ ગયા હતા.ઘર માલિક વિદેશમા હોવાથી તસ્કરો બંધ ઘરમાંથી કેટલી મત્તાની ચોરી કરી ગયા તે હજી જાણી શકાયુ નથી.ઘટના અંગે ગામના ડેપ્યુટી સરપંચે મહુવા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના પથરોણ ગામે મંગળવાર રાત્રીના 3:20 વાગ્યાના અરસામા ત્રણ બુકાનીઘારી યુવકો રેઈનકોટ પહેરી મોટરસાયકલ પર આવ્યા હતા.જેમાંથી બે યુવાનો કોઈ ક હથિયાર વડે બંધ ઘરનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જયારે અન્ય એક યુવાન ઘર બહાર હાથમાં તલવાર લઈ પહેરો આપી રહ્યો હતો.આ ડરાવણા દ્રશ્યો બીજા દિવસે સવારે સીસીટીવી ફુટેજમા જોઈ ગ્રામજનો ભયભીત બની ગયા હતા.તલવાર લઈ ચોરી માટે આવનાર તસ્કરોના આતંકે હાલ પથરોણ સહિત આજુબાજુના ગ્રામજનોની પણ ઉંઘ હરામ કરી નાખી છે.
પથરોણ ગામે બુકાનીધારી અજાણ્યા તસ્કરો એનઆરઆઈ મગનભાઈ મૂળજી પટેલ અને છગનભાઈ પટેલના ઘરની પાછળની બારીની લોખંડની ગ્રીલ કાપી ઘરમાં પ્રવેશ્યા હતા.અને ઘરમાં મુકેલ કબાટના તાળા તોડી તમામ સમાન વેરવિખેર કરી નાખ્યો હતો.આ ઉપરાંત એનઆરઆઈ મુકેશભાઈ મગનભાઈ પટેલ,રાકેશભાઈ મોહનભાઈ પટેલ અને દિવ્યેશભાઈ ગોપાળભાઈ પટેલના બંધ ઘરના કોઈ હથિયાર વડે તાળા તોડી બેટરી લઈ ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરના કબાટના તાળા તોડી તમામ સમાન વેરવિખેર કરી ચોરી કરી પલાયન થઈ ગયા હતા.તલવાર જેવા હથિયાર લઈ ચોરી માટે આવનાર અજાણ્યા તસ્કરોના આ આતંક અંગે ગ્રામજનોને બીજા દિવસે સવારે જાણ થતા ત્વરિત તેમણે મહુવા પોલીસને ઘટના અંગે જાણ કરી હતી.મહુવા પોલીસને ઘટના અંગે જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી.એનઆરઆઈના આ પાંચ બંધ ઘરમાંથી તસ્કરો કેટલી મત્તાની ચોરી કરી ગયા તે હાલ જાણી શકાયુ નથી.