કોસ, તા. ૧૫-૮-૨૪
કોસ કે જે મહુવા તાલુકામાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે એ ગામે સ્વાતંત્ર્ય દિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળાના બાળકો સહિત ગામમાં પ્રભાતફેરી થઈ હતી. ત્યારબાદ ગામના પંચાયત ભવન ખાતે પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી મહેશભાઈ પટેલના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી આઝાદીના પર્વની ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સરપંચ શ્રી મહેશભાઈએ જણાવ્યું હતું કે અંગ્રેજી હકુમત હેઠળથી આઝાદી મેળવીને આજે આપણો ભારત દેશ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે ત્યારે સૌ ગ્રામજનોને હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે જ આઝાદી આંદોલન વેળાએ વીરતાપૂર્વક અંગ્રેજોનો સામનો કરનાર સ્વાતંત્ર્યવિરોને સ્મૃતિ વંદન.
આ તકે આપણા કોસ ગામના સર્વાંગી વિકાસ માટે આપણે બધા કટીબદ્ધ થઈએ. જે કંઈક વિકાસ યોજનાઓ સરકારશ્રી તરફથી આવે છે એનો સુદ્રઢ અમલ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિકાસકાર્યો અંગે ગ્રામજનો દ્વારા જે સહકાર સાંપડ્યો છે તે અભિનંદનને પાત્ર છે. આવી જ રીતે એકબીજાના સાથી બનીને આપણા ગામને અવ્વલ દરજ્જો બક્ષવા આગળ વધતા રહીશું.
ત્યારબાદ પ્રાથમિક શાળા, કોસ ખાતે તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી રમિલાબેન ખંડુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. અધ્યક્ષ સ્થાનેથી એમણે આ પર્વ ટાણે સૌને શુભેચ્છા પાઠવતાં સ્વાતંત્ર્ય વીરોને નમન કરતાં જ સરહદોની સુરક્ષામાં તૈનાત સૈનિકોને સલામ કરતાં આઝાદીના પર્વે શુભેચ્છા પાઠવી હતી. તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.
૭૮મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોસ ગામના આગેવાનો, ગ્રામ પંચાયતના તલાટી ધર્મેશભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી ભારત દેશની સ્વતંત્રતા અખંડ રહે એ દિશામાં સંદેશ પાઠવ્યો હતો.