કાછલ ગામે DGVCL ની ઘોર બેદરકારીને લીધે પશુપાલકે પોતાની ભેંસનો જીવ ગુમાવ્યો
મહુવા તાલુકાની ડિજીવીસીએલના બામણિયા સબ ડિવીઝનના અંધેર વહીવટનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે જેના લીધે કાછલ ગામના પશુપાલકને પોતાની મહામૂલી ભેંસનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત તારીખ ૪/૮/૨૦૨૪ ના રોજ સાંજે કાછલ ગામના પશુપાલક રૂપાભાઇ જીવણભાઈ આહીર કાછલ ગામની ઝાડીમાં પોતાની ભેંસો ચરાવી રહ્યા હતા તે દરમ્યાન નમી પડેલા વિજતાર ભેંસને અડી જતા ભેંસને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને તરત જ ભેંસ મૃત્યુ પામી હતી. જેના લઈને પશુપાલકના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ નમી ગયેલા વિજતાર અંગે ગામના સરપંચશ્રી કલ્પનાબેન ચૌધરીએ ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ જૂન માસમાં ડીજીવીસીએલના અધિકારીને ટેલિફોન કરીને રજૂઆત કરી હતી કે કાછલ ગામે ઝાડીમાં માણસ નીચેથી ચાલતો પસાર થાય તો એને અડી જાય એટલા નીચે વિજતાર નમી પડ્યા છે જે ઝાડીમાં જતા રાહદારીઓને તથા ત્યાં ચારો ચરવા જતાં ગાય ભેંસોને અડી જાય તો જાનહાનિની દુર્ઘટના સર્જાશે અને ચોમાસું પડી જશે તો ત્યાં સાધન ન જશે માટે ચોમાસા પહેલાં આ નમી પડેલા વિજતાર ને ઉંચા કરવાની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું અને બીજા જ દિવસે પશુપાલક અને જમીનમાલિક બામણિયા ખાતે આવેલ ડિજીવીસીએલની ક્ચેરી ખાતે રૂબરૂ જઈને આ અંગે લેખિત અરજી પણ આપી આવ્યા હતા પરંતુ ડીજીવીસીએલ ના અધિકારીઓ જાણે આ અકસ્માતની રાહ જોઈને બેઠા હોય એમ કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી અને એમની ઘોર બેદરકારીના લીધે પશુપાલકે પોતાની વ્હાલીસોઈ ભેંસનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટનાની જાણ ડિજીવીસીએલના અધિકારીઓને કરાતા તેઓ પંચક્યાસ કરવા સ્થળ ઉપર આવ્યા હતા ત્યારે આ ઘટના અંગે પશુપાલકે તેમજ સરપંચશ્રીએ ગંભીર બેદરકારી બદલ ડિજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લઇ લીધો હતો.