‘નારી વંદન ઉત્સવ-૨૦૨૪’: બેટી બચાવો બેટી પઢાવો
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કતારગામ સ્થિત અક્ષર જ્યોતિ હાઇસ્કુલ ખાતે ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની ઉજવણી
ધો.૬ થી ૧૧ના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ, મહિલા લક્ષી યોજના તેમજ મહિલાઓ-બાળકો માટેના વિવિધ કાયદાઓ અંગેની જાણકારી અપાઈ
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા શહેરના કતારગામ સ્થિત અક્ષર જ્યોતિ હાઇસ્કુલ ખાતે તા.૨જી – ઓગસ્ટે ‘નારી વંદન ઉત્સવ-૨૦૨૪’ અંતર્ગત ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં ધો.૬ થી ૧૧ના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા સાયબર ક્રાઇમ, જેન્ડર ઈક્વાલિટી, મહિલા લક્ષી યોજના વિષે તેમજ મહિલાઓ અને બાળકો માટેના વિવિધ કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
જિ.પંચાયત આરોગ્ય વિભાગના કિરણબેન દેસાઈ એ જણાવાયું હતું કે, જાતિગત ભેદભાવ દૂર કરવાની સાથે સમાજમાં મહિલાઓની સ્વમાનભેર જીવન જીવી શકે તેવા પ્રયાસ કરવા જોઈએ. દીકરીઓ આવતીકાલનું ભવિષ્ય છે. એટલે ગર્ભમાં રહેલા બાળકનું જાતિય પરિક્ષણ નહિ, પરંતુ તંદુરસ્ત અને સ્વસ્થ્ય આવે તેનું પરિક્ષણ કરવું જોઈએ. ફાસ્ટફુડ અને ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ તેમજ બાળકો ખોરાક ઉપર પુરતું ધ્યાન આપવું પડશે. વધુમાં કિરણબેને કહ્યું હતું કે, દરેકે ચોમાસાની સિઝનમાં સ્કિનની કાળજી માટે હાઈજિન રહેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત દિકરીઓ તેમજ વાલીઓને ડિસ્ટ્રિક્ટ મિશન કો- ઓર્ડિનેટરશ્રી સ્મિતાબેન પટેલે જેન્ડર ઈક્વાલિટી વિશે સમજણ આપતા જણાવ્યું હતું કે, સમાજમાં સ્ત્રી-પુરૂષ અને થર્ડ જેન્ડર વિશે રહેલી ગેર સમજણથી દૂર રહેવું જોઈએ. દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર, વંશવેલો કશું જ સંભવિત નથી. માતા, બહેન, પત્ની વગેરે સ્ત્રી સંબદોની ઓથે જ સંસાર ટકી રહ્યો છે. એક જીવ જ અન્ય જીવને જન્મ આપી શકે છે. સમાજમાં લિંગ આધારિત સેક્સ એ કુદરતી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સ્મિતા પટેલે વધુમાં કહ્યું હતું કે, મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ, મહિલા સ્વાવલંબન યોજના, વિધવા સહાય યોજના, વિધવા પુન: લગ્ન સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, નારી સંરક્ષણ ગૃહ, પી.બી.એસ.સી સેન્ટર સહિતની મહિલાલક્ષી યોજનાઓ-પહેલો વિશે જાણકારી આપી બહુઆયામી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહિલા બાળ વિકાસ કચેરીના મહેશભાઈ પરમારે બાળકોને સાયબર ક્રાઈમ વિષે માહિતગાર કર્યા હતા. સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કુરિયર કંપની ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, પોલીસના નામે થતા ફ્રોડ, મોર્ફડ ફોટો વિષે માહિતી આપી સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ ટાળવા સમજાવ્યું હતું. તેમજ મોબાઇલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોય ત્યારે ભયભિત થયા વગર સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ઉપર સંપર્ક કરીને ફરિયાદ કરવા હાજર સૌને જણાવ્યું હતું.
‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી નિમિત્તે મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજનાના મંજૂરી પત્રો મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિ.પંચાયત આરોગ્ય વિભાગના યોગિતાબેન દેસાઈ, યોગી પ્રવૃતિ વિદ્યાલયના આચાર્ય મનીષાબેન પરમાર, મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, શી ટીમ, પીબીએસસી, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટરના અધિકારીઓ, ઓએસસી વિભાગના અધિકારી, કર્મચારીઓ, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીની-વિદ્યાર્થીઓ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
