સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા ૭૫મા વન મહોત્સવ અંતર્ગત શાળાના બાળકોને નાટક દ્વારા વૃક્ષો અને પર્યાવરણ રક્ષા અંગે જાગૃત કરાયા.
વિદ્યાર્થીઓને રોપા વાવેતર, વૃક્ષ ઉછેર, વન્યજીવોના રક્ષણ અને જતન અંગે સમજ અપાઈ
પ્રકાશન સંપર્ક વિભાગ-ગાંધીનગર તથા સામાજિક વનીકરણ વિભાગ-સુરતના સંયુક્ત ઉપક્રમે ૭૫મા વન મહોત્સવ નિમિત્તે શહેરની એલ.એન.બી.દાળિયા હાઈસ્કૂલ-અડાજણ અને ચોર્યાસી તાલુકાની નવચેતન વિદ્યાલય-જુનાગામ ખાતે નાટક દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને રોપા વાવેતર, વૃક્ષ ઉછેર, વન્યજીવોના રક્ષણ અને જતન અંગે માહિતગાર કરાયા હતા, તેમજ વનવિભાગ હેલ્પ લાઇન નંબર-૧૯૨૬ અને વોટસએપ નં. ૮૩૨૦૦૦૨૦૦૦ અંગે જાણકારી અપાઈ હતી. જેથી જે-તે વિસ્તારમાં આવેલી વનવિભાગની નજીકની નર્સરીનું સરનામું શોધી તેનો મહત્તમ લાભ લઈ શકાય. સાથે જ જંગલમાં લાગતી આગ રોકવા અને વનવિભાગની મદદ મેળવવા માટે ઉચિત સમજ અપાઈ હતી. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓએ મહત્તમ વૃક્ષારોપણ કરી જતાં કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
