વિશ્વ યુવા જાગૃતિ દિવસની ઉજવણીના ભાગરૂપે નહેરૂ યુવા કેન્દ્ર, સમાજ કલ્યાણ વિભાગ અને એલ.ડી.હાઈસ્કૂલ-સચિનના સંયુક્ત ઉપક્રમે રેલી યોજાઈ
એલ.ડી.હાઇસ્કુલથી વાંઝગામ સ્થિત ગાંધી કુટીર સુધી ગાંધીજીના જીવન દર્શનના પોસ્ટરો સાથે રેલીમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા
વિશ્વ યુવા જાગૃતિ દિવસ(વર્લ્ડ યુથ અવેરનેસ ડે)ની ઉજવણીના ભાગરૂપે નહેરૂ યુવા કેન્દ્ર, રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ અને એલ.ડી.હાઈસ્કૂલ-સચિનના સંયુક્ત ઉપક્રમે એલ.ડી.હાઇસ્કુલથી વાંઝગામ સ્થિત ગાંધી કુટીર સુધી ગાંધીજીના જીવન દર્શનના પોસ્ટરો સાથે રેલી યોજાઇ હતી. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણો પણ જોડાયા હતા.
આ પ્રસંગે આચાર્યશ્રી ડો.નિલેશભાઇ જોશીએ સાબરમતી કોચરબ આશ્રમથી દાંડી સુધીની ઐતિહાસિક દાંડી યાત્રાની ઝાંખી કરાવતા કહ્યું હતું કે, આઝાદીની લડાઇમાં ઐતિહાસિક મહત્વ ધરાવતી દાંડીયાત્રા તા.૨ એપ્રિલ, ૧૯૩૦ના રોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે આવી હતી. મહાત્મા ગાંધીજીએ ૭૯ સત્યાગ્રહી સૈનિકો સાથે વાંઝ ગામે રાત્રિરોકાણ કર્યું હતું. જે ચિરસ્મરણીય યાદો આ ગામ સાથે જોડાયેલી છે. એ સમયે વાંઝ ગામની જનસંખ્યા ૧૦૦ હતી. ગાંધીજી ડીંડોલીથી વાંઝ આવ્યા એ દિવસ ઘણો જ યાદગાર બની રહ્યો હતો. કલ્યાણજી મહેતા, કલ્યાણજીના ભાઈ કુંવરજી મહેતા અને મિઠુબેનની ત્રિપુટીએ હાથમાં મશાલ લઈને દાંડી યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. દાંડીયાત્રા દરમિયાન કલ્યાણજી અને કુંવરજી મહેતાએ વાંઝગામમાં વિશાળ જનસભા યોજી હતી, જેને સંબોધન કરતા ગાંધીજીએ વાંઝને રાષ્ટ્રીય જાગૃત્તિ અને રાષ્ટ્રભાવનાથી નીતરતું ગામ ગણાવ્યું હતું.
આ અવસરે અધિકારીશ્રી મનોજભાઈ અને સ્મિતાબેન દ્વારા My Youth India Portalની વિસ્તારપૂર્વક માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે નહેરૂ યુવા કેન્દ્રના પ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંગણવાડીઓની બહેનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
