શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ઉજવણી.. ઉલ્લાસમય શિક્ષણની’
ઉન-ગભેણીની બે પ્રાથમિક શાળાઓના ૧૬૧ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવતા મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવશ્રી એ.એચ.મન્સૂરી
રાજ્ય સહિત સુરત જિલ્લામાં ઉજવાય રહેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે ઉન ગભેણી વિસ્તારની બે પાળીમાં ચાલતી ચંદ્રવદન ચુનીલાલ શાહ પ્રા.શાળા-૨૯૭ તેમજ અટલ બિહારી બાજપેયી પ્રા.શાળા-૩૪૭ ખાતે મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવશ્રી એ.એચ.મન્સૂરી દ્વારા ૧૬૧ ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવાયો હતો. જેમાં બંને પાળી મળીને આંગણવાડીના ૬, બાળવાટિકમાં ૧૦૫ અને ધો.૧ માં ૫૦ બાળકો સહિત કુલ ૧૬૧ બાળકોનું નામાંકન કરાયું હતું. મહાનુભાવો દ્વારા નાના ભૂલકાઓને બેગ, ગણવેશ, પુસ્તક અને સ્ટેશનરીની ભેટ આપી તેમનું સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ મિશનનો હેતુ મહત્તમ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાનું છે. જેનો સુરત શહેર ખાતે ખૂબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દીકરીઓને પણ અચૂક શિક્ષણ માટે મોટા પ્રમાણમાં પ્રેરણા આપવામાં આવે છે. જે બદલ તેમણે શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં પણ આ જ રીતે બાળકોને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ હેઠળ ગત વર્ષે ૧૦૦ ટકા હાજરી આપનારા બાળકોનું તેમજ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાનો લાભ લેનારા બાળકોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ઇનામ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે નગર પ્રા.શિ.સમિતિના નિરીક્ષક ફકીર હસન શાહ, શાળા વ્યવસ્થાપન સમિતિ અધ્યક્ષ મહંમદ શાહિદ પટેલ, શાળાના આચાર્ય અને શિક્ષકો, મોટી સંખ્યામાં બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
