તા.૨૮ એપ્રિલે સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ‘Know Your Polling Station’ કેમ્પેઈન યોજાશે
મતદાન માટેના નિશ્ચિત પોલિંગ સ્ટેશનની જાણકારી મતદારો માટે ઉપયોગી બનશે
તા.૨૮ એપ્રિલે સવારે ૯ થી ૧૨:૩૦ વાગ્યા દરમિયાન મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં નામ, ક્રમની ચકાસણી કરવા અનુરોધ
તા.૭ મી મે એ સુરત શહેર-જિલ્લાની ૯ વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં મતદારોની સહભાગિતા વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે જુદા જુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. મતદારોને મતદાન મથકના સ્થળનો ખ્યાલ ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પૂરાવા અને એકથી વધુ પોલિંગ સ્ટેશન ધરાવતા પોલિંગ સ્ટેશન લોકેશન પર કયા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મૂંઝવણ અનુભવતા હોય છે, જેને ધ્યાને લઈ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.૨૮ એપ્રિલ,રવિવારના રોજ સુરત જિલ્લાની ૯-વિધાનસભા (૧૫૬, માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮- કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવા) ખાતે “Know Your Polling Station” (KYPS)-‘તમારા મતદાન મથકને જાણો’ અભિયાન યોજાશે. જેથી સવારે ૯:૦૦ થી ૧૨.૩૦ વાગ્યા દરમ્યાન ઉપરોક્ત ૯-વિધાનસભાના મતદારોને નજીકના મતદાન મથકની મુલાકાત લઈ મતદારયાદીમાં પોતાનું નામ, ક્રમ અને મતદાન મથકની જાણકારી મેળવવા તેમજ મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા જેવી માહિતી મેળવવા માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.
