લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત બસ સ્ટેશન ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વધુમાં વધુ મતદાન માટે મુસાફરો, આમ નાગરિકોને પ્રોત્સાહિત કરાયા: યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, કર્મચારીઓ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા
યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ૧૬૦- સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં સ્વિપના નોડલ ઓફિસર દ્વારા આગામી ૭મી મે ના રોજ યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, એસ. ટી. કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ હતી. તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો. જેમાં યુવા મતદારોએ મતદાન જાગૃતિ માટેના કટ આઉટ પર સેલ્ફી લઈને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત થયા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે ૧૬૦-ઉતર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરશ્રી ધર્મેશભાઈ બગસરીયા, સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચુંટણી અધિકારી શ્રી આર.બી.પટેલ, GSRTC ના વિભાગીય નિયામકશ્રી પંકજભાઈ ગુર્જર, ડેપો મેનેજરશ્રી ભાવેશ પટેલ સહિત ૧૬૦- સુરત ઉત્તર વિધાનસભાની સંપૂર્ણ સ્વિપ (sveep) ટીમ ઉપસ્થિત રહી હતી.
