સુરત જિલ્લામાં હથિયારબંધી માટેનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્રો,તલવાર,છરા,શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કે સ્ફોટક/ક્ષયકારી પદાર્થ કે પછી પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવા કે સાથે લઈ જવા પર, મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા, સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ કરવું , તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા કે તેનો ફેલાવો કરવા પર, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા કે વાદ્ય વગાડવા પર પ્રતિબંધ કરાયો છે. આ જાહેરનામું સરકારી કે ચૂંટણી કામગીરી હેઠળ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય, હથિયાર લઈ જવાની ફરજ હોય, જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલીસ અધિકારીએ શારિરીક અશકતાને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેને લાગુ પડશે નહિં. આ હુકમનો અમલ તા.૨૩/૪/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
