લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ઓછા મતદાનવાળા વિસ્તારોમાં મતદાતા જાગૃતિ અભિયાન- “સખી સહેલી સંગે મતદાન”
તા.૧૮ થી ૨૦ એપ્રિલથી સુરત જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ગામની મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન શરૂ થશેઃ
ગત વિધાનસભા ચૂંટણીમાં સુરત જિલ્લાના ૧૧૩ મતદાન મથકો પર પુરૂષોની સરખામણીએ મહિલાઓનું ૧૦% કે તેથી વધુના તફાવતથી ઓછું મતદાન થયું હતુઃ
લોકશાહીના પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો “No Voters to be left behind” નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારે સુરત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે ગામની મહિલા મતદારોનું ૧૦૦% મતદાન થાય એવા હેતુથી એક અનોખી પહેલરૂપ “સખી સહેલી સંગે મતદાન” અભિયાન તા.૧૮ થી ૨૦ એપ્રિલ દરમિયાન યોજાશે. આ અભિયાનમાં મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા, મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધિત વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવશે. આ અભિયાનમાં બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, મહિલા શિક્ષક, મહિલા તલાટી, સખી મંડળના આગેવાનની ઉપસ્થિતમાં કરવામાં આવશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં સુરત જિલ્લાના ૧૧૩ મતદાન મથક પર મહિલાઓ દ્વારા પુરૂષોની સરખામણીએ ૧૦% કે તેથી વધુના તફાવતથી ઓછું મતદાન થયું હતું. દા.ત. કામરેજ વિધાનસભાના નવાગામમાં પુરૂષ અને મહિલા મતદારો વચ્ચે ૩૨.૬૫ %નો તફાવત જોવા મળ્યો હતો. એવી જ રીતે ઓલપાડ વિધાનસભાના પિંજરત ગામમાં ૨૨.૭૬ %નો તફાવત, માંગરોળ તાલુકાના ઉભારીયા ગામમાં ૨૩.૨૯%, માંડવી તાલુકાના કરજણ ગામમાં ૧૧.૫૯%, બારડોલી વિધાનસભાના બારડોલી-૧૯ મતવિભાગમાં ૧૦.૦૩%નો તફાવત જોવા મળ્યો છે. આ પ્રકારે ગત વિધાનસભામાં ૧૧૩ મતદાન મથકો પર ઓછું મતદાન નોંધાયું હતું. ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું છે.
