શહેરમાં હથિયારબંધી માટેનું જાહેરનામું
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ અને સલામતિ જળવાય રહે તે હેતુથી I/C પોલીસ કમિશનરશ્રી વાંબાગ જામીરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરની હદના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ હથિયાર, ચપ્પા કે શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ વસ્તુ સાથે રાખવા કે લઈ જવા પર, પરવાનાવાળા હથિયારો જાહેર જગ્યાએ લઈ જવા, હવામાં ફાયર કરવા, હાનિકારક કે સ્ફોટક પદાર્થ લઈ જવા પર,રેમ્બો છરા/ચપ્પુ લાવવા/રાખવા કે વેચાણ પર, મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા, સુરૂચિનો ભંગ થાય તેવું ભાષણ, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવા પર, ચિત્રો કે બીજા કોઈ પદાર્થ કે વસ્તુ તૈયાર કરવા કે તેનો ફેલાવો કરવા પર, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા અને જાહેરમાં બુમો પાડવા, ગીતો ગાવા કે વાદ્ય વગાડવા પર પ્રતિબંધ કરાયો છે. આ જાહેરનામું સરકારી અધિકારીને કામ અર્થે કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય, પોલીસ કમિશનર અથવા તેમના દ્વારા અધિકૃત અધિકારીઓ દ્વારા શારિરીક અશકતતાને કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોય તેને લાગુ પડશે નહિં. આ જાહેરનામાનો અમલ તા.૧૮/૪/૨૦૨૪ સુધી કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
