મતાધિકાર નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે: યુવા મતદાર ટિયા પટેલ
મતદાન જાગૃતિ અર્થે સુરતમાં ‘વોકેથોન’: પ્રથમ વાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના પ્રોત્સાહક પ્રતિભાવો
આગામી તા.૭મી મેના રોજ રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘વોકેથોન’ યોજાઈ હતી, જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ભાગીદારી રહી હતી.
‘વોકેથોનમાં ભાગ લેવા આવેલ અને આગામી ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલ યુવા મતદાર ટિયા પટેલે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. લોકો તહેવારોમાં ઉત્સાહભેર જોડાતા હોય છે. ચૂટણીઓ લોકશાહીના તહેવાર છે, મહાપર્વ છે. હું ભાગ્યશાળી છું કે, મારા આ વર્ષે જ ૧૮ વર્ષ પૂર્ણ થયા છે અને મતદાન ઓળખ કાર્ડ માટે અરજી કરતા કાર્ડ ઘરે બેઠા મળ્યું છે. હવે હું મતાધિકારનો ઉપયોગ અચૂક કરીશ. તા.૭મી મે ના રોજ સપરિવાર મતદાન કરવા જઈશ. મતાધિકાર એ નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે. અત્યાર સુધી ઘણીવાર ચૂંટણી શબ્દ સંભાળ્યો હતો,હવે ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લઇશ. આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરીને જાગૃત નાગરિક તરીકે મારી નૈતિક જવાબદારી નિભાવીશ તેની મને ઘણી ખુશી છે.
