આવશ્યક સેવાકર્મીઓને મતદાનના દિવસે અપાશે પોસ્ટલ બેલેટની સુવિધા
સુરતના અધિક જિલ્લા ચુંટણી અધિકારી કમલેશ રાઠોડના અધ્યક્ષસ્થાને એસેન્સિઅલ સર્વિસ વોટર્સને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા અંગે બેઠક યોજાઇ
ભારતીય ચુંટણી પંચ દ્વારા ૧૨ સેવાઓનો આવશ્યક સેવાઓમાં સમાવેશ
લોકશાહીમાં દરેક મત મહત્વનો છે, ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે ૧૨ જેટલી સેવાઓને આવશ્યક સેવા(Absentee Voters on Essential Service(AVES))તરીકે જાહેર કરવામાં આવી છે. આ સેવાઓમાં કાર્ય કરતા અધિકારી-કર્મચારીઓ પણ મતદાન કરી શકે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આવશ્યક સેવાઓની શ્રેણીમાં આવતા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાની ફરજના કારણે મતદાન કરી શકે તેમ ન હોય તેઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ સેવાઓ માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. તેઓ મારફતે ફોર્મ ભરીને મતદાન કરી શકશે. વીજળી, બી.એસ.એન.એલ., રેલવે, દૂરદર્શન, ઑલ ઈન્ડિયા રેડિયો, આરોગ્ય, ઉડ્ડયન, એસ.ટી. બસ સેવા, અગ્નિશમન સેવાઓ, ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને આવશ્યક સેવાઓ તરીકે જાહેર કરાઈ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, એસેન્સિશયલ સર્વિસ વોટર્સ કે જે ફરજ(કામકાજ)ના લીધે મતદાનના દિવસે પોતાની સેવામાં રોકાયેલા હોય તેઓ નોડલ મારફતે પોસ્ટલ બેલેટનું ફોર્મ નં.૧૨- ડી ભરીને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. આ કર્મીઓ નિર્ધારિત સમયે પોસ્ટલ વોટિંગ સેન્ટર (PVC) પર જ મતદાન કરી શકશે.
બેઠકમાં ચુંટણી વિભાગના મામલતદારશ્રી પ્રતિક જાખડ તથા અન્ય આવશ્યક સેવાઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
