૧૬૬-કતારગામ વિધાનસભાના ૧૬૭૪ પોલીંગ સ્ટાફની ત્રણ દિવસીય તાલીમનો પ્રારંભ
પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસર સહિતના કર્મચારીઓને પ્રથમ દિવસે બે સેશન્સમાં તાલીમબદ્ધ કરાયા
તા.૨૮થી ૩૦ માર્ચ સુધી પોલીંગ સ્ટાફને તાલીમ આપવામાં આવશે
ભારતીય ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ વાતાવરણમાં ન્યાયી અને નિષ્પક્ષ રીતે લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાય તે માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે કતારગામના મહાજન બાળાશ્રમ સ્થિત પ્રોફેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે ૧૬૬- કતારગામ વિધાનસભાના પ્રિસાઈડીંગ-પોલીંગ સ્ટાફ સહિતના ૧૬૭૪ કર્મચારીઓની ત્રણ દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. જેના પ્રથમ દિવસે બે સેશન્સમાં કર્મચારીઓને તાલીમબદ્ધ કરાયા હતા.
અહીંના બે ટ્રેનિંગ હોલમાં પોલીંગ સ્ટાફના ૬ માસ્ટર ટ્રેનર તેમજ ઈ.વી.એમ.ના ૧૨ માસ્ટર ટ્રેનરો દ્વારા પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસર સહિત પ્રાથમિક-માધ્યમિક શાળાના શિક્ષકો તેમજ સરકારી અધિકારી-કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. તાલીમમાં લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓના કર્તવ્યો, કામગીરી અને ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ મતદાનના દિવસે ભરવાના થતાં જરૂરી ફોર્મ્સ અંગે જાણકારી અપાઈ હતી.
આ ઉપરાંત, તાલીમમાં ચૂંટણીની કામગીરીને લગતી વ્યવસ્થા, ચૂંટણીપ્રક્રિયા તેમજ EVM મશીનની પ્રેક્ટિકલની વ્યક્તિગત તાલીમ આપવામાં આવી હતી. આ સાથે ચૂંટણીની કામગીરીમાં ઉપયોગમાં લેવામાં આવતું મટીરિયલ, બુથ વ્યવસ્થા, પોલીંગ સામગ્રી, બુથ એજન્ટની નિમણૂંક અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા. સાથોસાથ મતદાન માટે વૈધાનિક તથા બિનવૈધાનિક પુરાવાઓ, ઈ.વી.એમ. સિલીંગ તેમજ પોલીંગ પૂર્ણ થયા બાદ ઈ.વી.એમ.ને પરત ડિસ્પેચિંગ સેન્ટર સુધીની પહોંચાડવાની તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ કાર્યક્રમમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી જુહી પાંડે ,મામલતદાર કતારગામ આર.એસ.હૂણ તથા નાયબ મામલતદાર વિક્રમ કે. મકવાણા સહિત કતારગામ મામલતદાર કચેરી અને સિટી સર્વે કચેરીના સ્ટાફ અને તાલીમાર્થી કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
