સચિન-કનકપુર કનસાડ તથા પીપલોદ ખાતે રૂા.૧૦ કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરતા ચોર્યાસીના ધારાસભ્ય સંદિપ દેસાઈ
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રૂા.૧૦ કરોડથી વધુના વિવિધ વિકાસકામોનું ચોર્યાસીના ધારાસભ્યશ્રી સદિપ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં સાઉથ ઝોન-બી (કનકપુર)માં સમાવિષ્ટ વોર્ડ નં. ૩૦ (કનસાડ-સચિન-ઉન-આભવા) વિસ્તારમાં અંદાજિત રૂા.૯.૨૮ કરોડથી વધુના ખર્ચે સાકારિત થનાર વિવિધ પ્રકલ્પોના સામૂહિક ખાતમુહૂર્ત થયું હતું. જેમાં આરોગ્ય કેન્દ્ર, ૧૪ નવી આંગણવાડીઓ, કનસાડ ગામમાં આહિરવાસથી કનસાડ પ્રા.શાળા થઈ મિંઢોળા નદીના આઉટલેટ સુધી ૬૦૦ મી.મી. વ્યાસની આરસીસી બોક્ષ સ્ટ્રકચર દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન નાખવાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાઉથ વેસ્ટ ઝોન (અઠવા) વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ-૨૨, (ભટાર-વેસુ -ડુમસ)ની રોયલ બંગ્લોઝ, પીપલોદ ખાતે રૂા.૫૨ લાખથી વધુના ખર્ચે સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ અવસરે ધારાસભ્યશ્રીએ ‘સૌનો સાથ અને સૌના વિકાસ’ના મંત્ર સાથે રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં જે પણ પાયાની જરૂરિયાતના કામો બાકી હોય તેવા વિકાસ કામોને અગ્રતા આપીને પૂર્ણ કરવાની કટિબધ્ધતા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમોમાં નગરસેવક સર્વશ્રી ચિરાગ સોલંકી, શ્રી હસમુખ નાયકા, શ્રીમતી પિયુષાબેન પટેલ, શ્રીમતી રીનાબેન રાજપૂત, હિમાંશુભાઈ રાઉલજી, શ્રી દિપેશભાઈ પટેલ, શ્રીમતી કૈલાસબેન સોલંકી, પદાધિકારીઓ, નગર પ્રા.શિક્ષણ સમિતિના સભ્યો, સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતાં.
-૦૦૦-
