પી.પી.સવાણી ગ્રુપની રેડિયન્ટ ઈંગ્લીશ એકેડમીની ડભોલી-કતારગામ શાખાનો પૂ. મોરારીબાપુના હસ્તે શુભારંભ.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
નર્સરીથી ધો.૧૨ સુધીનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ ઉપલબ્ધ બનશે
સુરત,શનિવાર:- પી.પી.સવાણી ગ્રુપની રેડિયન્ટ ઈંગ્લીશ એકેડમી, ડભોલી-કતારગામ શાખાનો શુભારંભ વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂ. મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યો હતો. આ વેળાએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અહીં નર્સરીથી લઈને ધો.૧૨ સુધીનું અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મળી રહેશે. પી.પી.સવાણી ગ્રુપના પરંપરાગત મૂલ્યનિષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણનો લાભ હવે કતારગામ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ મળતો થશે. પૂ. મોરારીબાપુએ શાળા પરિવારને શુભેચ્છાઓ સહ આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે, શિક્ષણ માનવીને સંપૂર્ણ બનાવે છે. સંસ્કારયુક્ત શિક્ષણ વિદ્યાર્થીને સર્વાંગ સંપૂર્ણ બનાવે છે. હંમેશા સારા વિચારોનું આદાન-પ્રદાન કરવું જરૂરી છે. જો આપણે સારા ગુણોનું સતત ચિંતન કરીએ, તો તે ગુણો આપણામાં પ્રગટ થશે.
ભગવદ્દ ગીતામાં દર્શાવેલા માર્ગ પર ચાલવાથી જીવનના દરેક તબક્કે આવતી મુશ્કેલીઓનું સમાધાન મળશે એમ જણાવી વધુમાં તેમણે જણાવ્યું કે, આધ્યાત્મિકતા સાથે ઉન્નત સંસ્કાર સિંચન થાય તે માટે રાજ્યની શાળાઓમાં ધો. ૬ થી ૮ના અભ્યાસક્રમમાં શ્રીમદ્દ ભગવદ ગીતાના અભ્યાસને સ્થાન આપવામાં આવ્યું છે. આધ્યાત્મિક જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાથી તેમની નૈતિકતામાં વધારો થશે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ પોતાની જવાબદારીમાં નૈતિક મૂલ્યો જાળવી રાખશે.
પૂ. મોરારીબાપુના હસ્તે શાળાનો શુભારંભ થવો એ વિદ્યાર્થીઓ માટે સૌભાગ્યની ક્ષણ છે. અંગ્રેજી માધ્યમની આ શાળા બાળકોને શિક્ષિત અને દીક્ષિત બનાવવામાં ઉમદા યોગદાન આપશે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, પી.પી.સવાણી ગ્રુપના મોભી અગ્રણી સમાજ સેવક શ્રી વલ્લભભાઈ સવાણી, માવજીભાઈ સ્વાબીઅગ્રણીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.