ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ
માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે ભગવાન બિરસા મુંડાએ આખાયે બ્રિટિશ આલમને જડમૂળથી હચમચાવી નાંખી હતી
ભારતના આઝાદીના અમૃત વર્ષ નિમિત્તે વર્ષ ૨૦૨૧માં કેન્દ્ર સરકારે બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે : આ વખતે ચોથો “જનજાતિય ગૌરવ દિવસ” ઉજવી રહ્યાં છે
૧૫મી નવેમ્બર ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિને ‘‘ જનજાતિય ગૌરવ દિવસ ’’ તરીકે રાષ્ટ્રમાં ઉજવે છે : રાજ્યકક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ આ વખતે ડાંગ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉજવાશે : ટ્રાયબલના ૧૪ જિલ્લા અને ૫૪ તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાશે
બિરસા મુંડાની જન્મ જયંતિના અવસરે પાટનગર બિરસા મુંડા ભવન, ગાંધીનગર સહિત આદિવાસી જિલ્લાઓમાં બિરસા મુંડા ચોક ખાતેની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરાશે
લેખન અને રજૂઆત: અરવિંદ બી. મછાર (નાયબ માહિતી નિયામક નર્મદા)
ભારતમાં અંગ્રેજોના આગમથી અંગ્રેજોએ ભારતમાં વેપાર-વાણીજ્ય લૂંટવા-ઝૂંટવા, ધર્માંતરણ કરવા માટે ઉપયોગ કર્યો. તેઓ અત્યાચાર, અન્યાય, જોર-જૂલમ, લોભ-લાલચ, બળ-જબરન કરી લોકોના જળ-જંગલ- જમીન હડપ કરવા અવતર્યા હોય એવું કહેવાય છે. અંગ્રેજો ભારતમાં આવ્યા તે સમયે એમના હાથમાં બાઇબલ હતું અને આપણા હાથમાં જમીન. પરંતુ એ ગયા ત્યારે આપણા હાથમાં બાઇબલ અને એમના હાથમાં જમીન, જેવો ઘાટ સર્જાયો. આદિવાસી અને અંગ્રેજો સંઘર્ષમાં એક સિક્કાની બે બાજુ જેવા બન્યા, જળ-જંગલ અને જમીન માટે ભરયુવાનીમાં સંઘર્ષ કરનાર ભગવાન બિરસા મુંડા ‘એક તીર એક કમાન’ જેવા તાકતવર આદિવાસી વીર હતા. ટ્રાયબલ અને બાયબલ મોટે ભાગે ગરીબ, લાચાર તથા અભણ લોકો જ ધર્માંતરણનો શિકાર બનતા હતાં, એ વાત અંગ્રેજોના ધ્યાને જે-તે વખતે આવી જતા, તેમણે મોટે ભાગે ખાસ કરીને અંતરિયાળ ગામડાનાં લોકોનો વસવાટ હોય, એવા આદિવાસી વિસ્તારોમાં વધારે જોર આપ્યું.
રાંચી-ઝારખંડમાં રહેતા અંતરિયાળ વિસ્તારોમાં ૧૮૯૦-૯૨ના સમયમાં મુંડા આદિવાસીઓને ટાર્ગેટ કરી ધર્માંતરણ કરાવ્યું, અમાનુષી અત્યાચારો ગુજાર્યા, મિશનરીઓએ લાલચ આપીને ગરીબોને પોતાના તરફ આકર્ષિત કર્યા. જમીનદારો અને શાહુકારોએ જમીન પડાવી લીધી અને અંગ્રેજ સરકારના મેળાપીપણા થકી અત્યાચાર કરવામાં કંઇ બાકી ન રાખ્યું. ભારતભૂમિની એક આગવી ખાસિયત રહી છે કે જેમાં આદિવાસીઓની સહન શક્તિ ખૂટી જાય ત્યારે ગમે તેવા અંધકારને પડકારી મોટા પથ્થરોને તોડીને રાહ- રસ્તો સ્વબળે શોધતા હોય છે. દિપક બનીને ટમટમતા ફાનસની જેમ ઉજાસ પાથરે છે અને ધરતી પર કોઇકને કોઇક વીરપુરૂષ યોધ્ધા જમીન પર જન્મ લે છે, જન્મે છે. આવા જ એક મહામાનવ, ભગવાન બિરસા મુંડા અંગ્રેજો અને અત્યાચારો મિટાવવા મિનશરીઓને જડબાતોડ જવાબ આપવા અવાજ ઉઠાવી રાંચીની ધરતી પર અવતાર ધારણ કરે છે. વર્તમાન ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ઉલિહાતુ ગામના નિવાસી સુગના મુંડા અને કરમી મુંડાના પરિવારમાં ૧૫મી નવેમ્બર-૧૮૭૫ના રોજ એક અવતારી બાળકનો જન્મ થયો. આ બાળકનું નામ પાડવામાં આવ્યું બિરસા.
બિરસાનાં માતા-પિતા પણ ઈસાઈ મિશનરીઓની ચૂંગાલમાં ફસાઈ ગયા. સમય જતા તેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારી લીધો. ઈસાઈ બન્યા પછી પિતાનું નામ મસીહ દાસ રાખવામાં આવ્યું. થોડા વર્ષો બાદ બાળક બિરસા અભ્યાસ અર્થે મામાના ઘરે મોસાળ ગયેલા, ત્યાં એક ઈસાઈ પ્રસારકે તેમને ઈસાઈ બનાવેલા અને ૧૧ વર્ષની નાની વયે બાપતિસ્માની વિધિ થઈ. તેમનું નામ દાઉદ પડ્યું. એક વખતના ઈસાઈ બની જનારા બિરસા મુંડા આજે સમગ્ર આદિવાસીઓના ભગવાન તરીકે પૂજાય છે. ધરતી આબા એટલે કે, ‘જગત પિતા’ તરીકે આદિવાસીઓ તેમને માન આપે છે, સન્માન કરે છે. આ કેવી રીતે બન્યું એમના જીવનમાં પરિવર્તન કેવું આવ્યું કે, તેઓ જગતમાં પૂજાય છે.
શાળાકીય શિક્ષણ દરમિયાન આહારમાં અજુગતું પિરસાતા બિરસાનો અંદરનો આત્મા જાગી ઉઠ્યો, જીવનમાં યુ ટર્ન આવી ગયો. તેમણે માત્ર ૧૧ વર્ષની વયે પાદરીની સામે થઇને કહી દીધું કે, ‘‘તમે અને ગોરા અંગ્રેજો એક જ છો. અમને છેતરવા આવ્યા છો.’’
બિરસાએ ચાઈબાસા છોડી દીધું અને તેઓ છોટાનાગપુર વિસ્તારમાં આવ્યા. જ્યાં ચૈતન્ય મહાપ્રભુજીના અનેક ભક્તોના સંપર્કમાં આવ્યા. તેમનાથી તેઓ જાતે ખૂબ પ્રભાવિત થયા. ઈતિહાસ, ધર્મ અને સંસ્કૃતિની મૂળ ઓળખ પ્રાપ્ત થઇ. જનોઈ અને માથે પીળી પાઘડી ધારણ કરીને તેઓએ ઈસાઈઓએ ઝારખંડમાં શરૂ કરેલી ધર્માંતરણની હાટડીઓ વિરૂધ્ધ જનઆંદોલન શરૂ કર્યું.
શોષણની સામે રણશિંગુ ફૂંકી દીધું. સંગઠન અને સામાજિક સુધારણા માટે આહલેક જગાડી એક વખત તેમણે ચલકદ મુકામે હિંદુઓને જગાડવા, આદિવાસીઓની અસ્મિતાના પુનઃસ્થાપન માટે એક ભાષણ આપ્યું, તેને ઐતિહાસિક ગણવામાં આવે છે. ચારેબાજુથી આસપાસના ગામોમાંથી યુવાનોની ટુકડીઓ ઉમટી પડી. ત્યાં તેમણે આશ્રય, આશ્રમ, આરોગ્ય નિકેતન અને ક્રાંતિ કેન્દ્રો શરૂ કર્યા. તેમનું સ્વપ્ન હતું ગરીબ, લાચાર, અભણ આદિવાસીઓને પાખંડીઓના સકંજામાથી છોડાવવાનું અને તેમની જમીન પાછી અપાવવાનું. એક સમય એવો આવે છે કે, બિરસા અંગ્રેજ સરકાર સામે પડકાર બનીને ઉભા રહે છે. રાંચી આસપાસના ગામોના લોકોને સમજાવી જાગૃતિ ફેલાવીને ઈસાઈમાંથી પાછા સ્વધર્મમાં પરત લાવે છે. બંદુકો હથિયારોથી સજ્જ સેના સામે બિરસા તીર-કામઠા જેવા પરંપરાગત હથિયારો લઇને સામે પડે છે અને એમના પગ તળેથી જમીન સેરવી લે છે.
હજ્જારો મુંડા આદિવાસીઓ બિરસાના કારણે હિંમત જુટાવી શક્યા અને લડવા માટે તૈયાર થઈ જાય છે અને પછી શરૂ થાય છે “ઉલગુલાન”…ઉલગુલાન એટલે જળ-જંગલ અને જમીન પર અંગ્રેજોએ જમાવેલી દાવેદારીનો સંઘર્ષ. આ સંઘર્ષની કહાની વીરતા ભરેલી છે, સાથે વેદના પણ ભરેલી છે. તેમણે આદિવાસીઓને હક્ક-અધિકાર માટે નીડરતાપૂર્વક લડતા શીખવ્યું, ‘અબુઆ દિશુમ… અબુઆ રાજ…’ ‘આપણો જ દેશ અને આપણું જ રાજ’ નો નારો આપ્યો.
આ બધું જોઈને ઈસાઈ મિશનરીઓની આંખો ફાટી ગઈ. જનજાતિ સમાજને એકત્રિત, એકઠો થતો જોઈને તેમને ડર લાગ્યો. તેથી મિશનરીઓ અંગ્રેજ આકા પાસે દોડી ગયા. બ્રિટિશ સરકારે તત્કાલ ભગવાન બિરસાની ધરપકડનો આદેશ આપ્યો.
ચલકદ-આશ્રમ ખાતે ભરીબંદુકે હથિયાર સાથે પોલીસ કાફલો બિરસાને ગિરફ્તાર કરવા દોડી આવ્યો. પરંતુ ભગવાન બિરસા મુંડા પ્રત્યેનો જનજાતિ ગ્રામીણોમાં વિશ્વાસ એટલો મજબૂત અને પ્રબળ હતો કે, તેમના આક્રમક સશક્ત વિરોધના કારણે પોલીસ કાફલો બિરસાને ગિરફ્તાર કરી શક્યો નહીં. અંગ્રેજ સરકાર બ્હાવરી બની ગઈ.
સમાજ જાગરણ, જનજાતિ જાગૃતિને ‘‘ બિરસા વિદ્રોહ’’ એવું લેબલ નામ આપીને સરકારે તેને સખ્તાઈથી દબાવી દેવાના કડક આદેશો આપ્યા, તેમ છતાંય ભગવાન બિરસાનું રાષ્ટ્રકાર્ય રોકાયુ નહીં. હારી થાકી છળકપટ કરીને ૨૫ ઓગસ્ટ, ૧૮૯૫માં તેમની ધરપકડ કરીને હજારીબાગ જેલમાં લઈ જવામાં આવ્યા. બે વર્ષ બાદ ૩૦ નવેમ્બર, ૧૮૯૭માં તેમને જેલમુક્ત કરવામાં આવ્યા.
મુક્ત થતાની સાથેજ બિરસાએ પરંપરાગત તીર-કામઠું ધનુષ્ય ધારણ કરીને નવેમ્બરથી ‘ઉલગુલાન’ આંદોલન ઉભુ કર્યુ. અંગ્રેજોના પૂઠું જમીનદારોને કર આપવાનું બંધ, જમીન માલગુજારી બંધ. તેમના આ આંદોલને ખૂબ ચર્ચા જગાવી. લોકો તેમની સાથે જોડાયા જંગલનો અધિકાર જનજાતિને પરત મળે તે માટે અંગ્રેજો તથા મિશનરીઓને વનવિસ્તાર ખાલી કરી, ભારત છોડી જવાની માંગણીએ જોર પકડ્યું. પાદરીઓની વિરૂધ્ધ જનજાતિનો જન આક્રોશ ફાટી નીકળ્યો. ઠેર-ઠેર મિશનરીઓને દેશ છોડી જવા માટે બાધ્ય કરવામાં આવ્યા. સત્તાધીશો કાંપી ગયા. ૯ મી જાન્યુઆરી, ૧૯૦૦એ ડોમારી પહાડીઓ ઉપર એક મોટી સભાનું આયોજન થયુ. અંગ્રેજ કમિશનરે આ પહાડી ઘેરી લીધી. જલિયાંવાલા બાગ જેવો જ લોહિયાળ હત્યાંકાડ સર્જાયો. અંગ્રેજોની અંધાધૂંધ ગોળીબારથી ડોમારી પહાડીઓનો રંગ હુતાત્માઓના લોહીથી લાલ થઈ ગયો. આ દમનચક્રથી અંગ્રેજ ગિરોહ ડોમારી પર્વતનો કબજો તો કરી શકી, પરંતુ ભગવાન બિરસા મુંડાને પકડી ન શકી.
બિરસા મુંડા કહે છે કે, આ ધનુષ-તીર-કામઠા અમે રમવા માટે નથી રાખ્યા. બિરસાએ અંગ્રેજો સામે બહુ મોટું આંદોલન ઉભુ કર્યું હતું. કેટલાંક મિશનરીઓ આંદોલનને દબાવી દેવા અને ડરાવવા બિરસાને મળવા ગયા. તેમને પૈસા-પ્રલોભનો અને વધારાની જમીનો તાત્કાલિક આપવાની વાત કરી. પરંતુ ભગવાન બિરસાએ એમને સ્પષ્ટ કહી દીધું, આ બધી જમીન અમારી જ છે, તમે શું અમને આપવાના હતાં? અમે હવે તમને બરાબર ઓળખી ગયા છીએ. ધર્મનો ધંધો કરવાનું બંધ કરી દો, નહીંતર આ આદિવાસી સમાજ તમારી બધી ઈમારતો ઉખાડીને છેક ઈંગ્લેન્ડ સુધી ફેંકી દેશે. હવે પછી કદી અમને લાલચ આપવા આવતા નહીં. ચાલો, જાવ અહીંથી!!
બિરસા પાસે આવેલા ચાર પાદરીમાંથી એકે વધારે ટણી કરી હાઈકમાન્ડની સૂચનાને જરા વધારે ગંભીરતાથી લીધી હતી. એ સાથે રિવોલ્વર લઇને આવ્યો હતો. બિરસાએ કહ્યું અમે આ ધરતી પર જ રહીશું જવાનું તો તમારે છે ! ફાધર હસ્યો, આ રિવોલ્વર છે ! તું બીજું કંઇ સમજ્યો લાગે છે એટલે આવી વાત કરે છે. બિરસાએ સીધું જ ખભેથી બાણ ઉતાર્યું અને એેક ઝેર પાયેલું તીર એની સામે તાક્યું, હું બીજું કંઇ સમજ્યો નથી. મને ખબર છે કે તે રિવોલ્વર છે. પણ કદાચ તું ભૂલી ગયો કે આ ધનુષ અમે તીર-કામઠાં રમવા નથી રાખ્યા. એક તીરમાં ચારેયને વીંધી નાંખીશ. તને લોકો ફાધર કહે છે પણ હકીકતમાં તો અમે તમારા બાપ છીએ. ચાલ ઉપડ અહીંથી.. ચારેય ફાધરોએ આસપાસ જોયું. એક સાથે ૫૦ મુંડાઓ તેમની સામે તીર તાકીને ઉભા રહ્યાં હતાં. તેમણે ચૂપચાપ રિવોલ્વર પાછી ઝભ્ભાના ખિસ્સામાં મૂકી દીધી અને ચાલતી પકડી.
બિરસા મુંડાએ એક સમયે આપેલા ઐતિહાસિક ભાષણમાં આઘાત અને દુઃખ સાથે હિન્દુત્વ પર થતા આઘાત વર્ણવતાં ભાષણમાં કહેલું કે, અંગ્રેજ શાસક અને ગોરા વિદેશી ફાધર-પાદરીઓ મળીને આ દેશને ભ્રષ્ટ કરવા માટે મંડેલા છે. બન્નેની એકજ મુરાદ અને લક્ષ છે. તે આપણા દેશને ગુલામ બનાવી રાખવા ઈચ્છે છે. પહેલા તો તેઓ આપણા ધર્મ-કર્મને બદલીને ઈસાઈ ધર્મની સ્થાપના કરે છે. તે આપણી શિખા અને જનોઈના બદલે ક્રોસ લટકાવવાનું શીખવાડે છે.
આપણો સનાતન ધર્મ, આપાણા પવિત્ર પૂજાસ્થળો, આપણા અખાડા દિવસે-દિવસે ઉજ્જડ થવા જઇ રહ્યાં છે. આપણા નામ આ દુનિયાથી સમાપ્ત થઇ જશે. આ ક્રોસવાળી શક્તિનો સામનો કરવાથી ભાગતા રહેલા આ બીકણ લોકો સ્વાર્થવશ સ્વયં પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના રાષ્ટ્ર સાથે દ્રોહ કરી રહ્યાં છે.
અંગ્રેજોએ બિરસા મુંડાને ધગધગતા સળિયાના ડામ દિધા પણ બિરસા ડગ્યા નહી, ડર્યા નહી. છેલ્લે બિરસા ભગવાનને ગિરફ્તાર માટે ‘‘હીટ એન્ડ સર્ચ’’ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમની ગિરફ્તારી માટે મોટું ઈનામ જાહેર કરવામાં આવ્યું. તેમનો અતોપતો જાણવા માટે જઘન્ય ક્રૂરતા સાથેનું દમનચક્ર ચાલ્યું. ઈસાઈ મિશનરી અને અંગ્રેજ ગુપ્તચરોની મદદથી ભગવાન બિરસા મુંડાને ૩જી ફેબ્રુઆરી, ૧૮૯૦એ પકડવામાં આવ્યા. હાથકડી પહેરાવીને ઝારખંડની રાંચી જેલમાં લઇ જવામાં આવ્યાં. તેમની ગિરફ્તારીની ખબર વાયુવેગે દાવાનળની જેમ ફેલાઈ ગઇ. સમગ્ર આસપાસનું ક્ષેત્ર લાલઘુમ થઇ સળગી ઉઠ્યું.
બિરસા જેલમાં હતા. જન-જનને દહાડતાં શિખવનાર જુઝારૂં સિંહ કાળકોટડીમાં પુરાઇ ગયો. ગોરા અંગ્રજો તેમને હેરાન કરવા માંડ્યાં. તેમને સાંકળોથી બાંધીને તેમના પર અમાનુષી વર્તાવ અત્યાચારો ગુજારવાનું શરૂં થયું. ધગધગતા ગરમ સળિયાના ડામ દેવાયા, વાસી ભોજન પિરસાયું, રાત-ભર ઉંધા લટકાવી રાખવામાં આવ્યા, ઝાડા-પેશાબ માટે ય કોટડીની બહાર કાઢવામાં ન આવે. એટલું જ નહી અંગ્રેજોએ તેમના ભોજનમાં ઝેર ભેળવ્યું. તેમને ધીમું ઝેર આપવામાં આવ્યું.
આ બધી ભયંકર યાતનાઓ વચ્ચે પણ ભગવાન બિરસા મુંડા અંગ્રેજો સામે ઝૂક્યા નહીં, ડર્યા નહી, ડગ્યા નહી. અંતે અંગ્રેજોએ ઝેર આપીને આપણા બિરસા મુંડા ભગવાનને મોતને ઘાટ ઉતારી દીધા. હકીકતમાં તો બિરસાને મારી નાંખવામાં આવ્યા હતાં, પણ અંગ્રેજો દ્વારા ચારે તરફ ખબર આપી દેવામાં આવી કે, બિરસા મુંડાનું કોલેરાને કારણે અવસાન થયું છે. જેમ જેમ ગામોમાં ખબર પડતી ગઇ, તેમ તેમ લોકોના ટોળેટોળાં રાંચી તરફ ઉમટવા માંડ્યા. એમના માતા-પિતા અને ભાઈઓ તથા અન્ય પરિવારજનો પણ રાંચી પહોંચ્યા.
૯મી જૂન, ૧૯૦૦એ ૨૫ વર્ષની નાની ઉંમરે જ આ મહાનાયકનું દુઃખદ અવસાન થયું. બિરસાની મર્દાનગી તો જુઓ, એમનું મૃત્યું થઇ ગયું હોવા છતાં અંગ્રેજો એમનાથી ડરતા હતાં. અંગ્રેજોને ભય હતો કે, જો એમની લાશ અગ્નિસંસ્કાર માટે આપીશું તો લોકોની ભીડ થશે અને પાછો કદાચ વિદ્રોહ જાગી ઉઠશે. એટલે એક અંગ્રેજ અધિકારીએ આવી જાહેરાત કરી, બિરસાનું કોલેરાના કારણે મૃત્યું થયું છે, એનું સરકારને ખુબ જ દુઃખ છે. સરકારે એ પણ નિર્ણય કર્યો છે કે, બિરસાની અંતિમ વિધિ તેમની ઈચ્છા પ્રમાણે જ કરવામાં આવે, એટલે કે અગ્નિસંસ્કાર કરવામાં આવે. એ વિધિ પણ અંગ્રેજ સરકાર કરશે, કારણ કે તેમને કોલેરા હતો અને આ બહુ ચેપી રોગ છે. એમની લાશ અમે આપને સોંપીએ અને વધારે લોકો એકઠાં થાય તો બધાને ચેપ લાગે માટે આવો નિર્ણય કરવો પડે તેમ છે. એમના પરિવારના કોઈ બે લોકોને સાથે આવવાની સરકાર છૂટ આપે છે.
પરિવારજનો અને અન્ય મુંડા આદિવાસીઓ બિરસાની લાશ માટે કરગરતા રહ્યા, પણ અંગ્રેજ અધિકારીએ તેમની વાતને કાને ન ધરી. આખરે બે પરિવારનાં સભ્યોની ઉપસ્થિતિમાં રાંચીની ડિસ્ટલરી નજીક સુવર્ણરેખા નદીનાં ઘાટે બિરસાના નિર્જીવ શરીરને અગ્નિદાહ આપવામાં આવ્યો. એમનું શરીર પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયું. પણ તેમનાં મૃત્યુ પર જનજાતિઓના આક્રોશનો દાવાનળ તો ફાટ્યો જ. જનજાતિ સમાજની ઉગ્રતા સમી જવાનું નામ નહોતી લેતી. અંતે ભારેલા અગ્નિની સ્થિતિમાં અંગ્રેજ સરકારે ૧૯૦૮માં છોટાનાગપુર ક્ષેત્રમાં કાશ્તકારી અધિનિયમ (Chhota Nagpur Tenancy Act) બનાવવો પડ્યો, જેના કારણે જનજાતિ પરિવારોને તેમની જમીનના હક્કો પાછા મળ્યાં. આમ, અંગ્રેજ સત્તાને ઝૂકવું પડ્યું.
ભગવાન બિરસા મુંડાનાં મૃત્યુના દિવસે આદિવાસીઓના મુંડાનાં ઘરમાં ચૂલો નહોતો સળગ્યો. હજારો આદિવાસીઓ ચલકદમાં એમના ગામે ભેગા થયા હતાં. લોકોનું આક્રંદ આકાશે આંબતું હતું. લોકો કહેતા હતાં, ‘હે ધરતી આબા… હે ભગવાન બિરસા મુંડા… તમે અમને એકલા મૂકીને ક્યાં ચાલ્યા ગયા. હવે અમે નોંધારા થઈ ગયા. અમે હવે તમારા વગર નહીં જીવી શકીએ. અમારી હામ, હિંમત બધું જ ખતમ થઈ ગયું…!’
એવામાં અચાનક એક વૃધ્ધ બોલી ઉઠ્યા, ‘કશું જ ખતમ નથી થયું. તમને બધાને યાદ છે? બિરસા જ્યારે કેદ પકડાયા અને આપણે બધાં તેમના દર્શને ગયા હતા ત્યારે એમણે આપણને કહ્યું હતું કે – અબુઆ દિશુમ… અબુઆ રાજ… આપણો જ દેશ અને આપણું જ રાજ. એના માટે સૌ પ્રયત્નો કરો. તમે એકલા નથી. હું તમને શબ્દ આપીને જાઉં છું. એને ફેંકી નાં દેશો. તમારા ઘરના આંગણામાં એ શબ્દનું વાવેતર કરજો. હું જે કહું તે કદી મરશે નહીં. ઉલગુલાન એટલે કે જળ-જંગલ અને જમીન પર દાવેદારીનો સંઘર્ષ મરશે નહીં. ઉલગુલાન અને આ શબ્દો કોઈ મિટાવી નહીં શકે. એ આગળ વધતાં જ રહેશે. વરસાદમાં વધતા ઘાસની જેમ ઉગતા જ જશે. તમે લોકો હિંમત ન હારશો…’ અચાનક એક ભીડમાંથી યુવાન બોલ્યો, ‘બાબા અમને ભગવાનના શબ્દો યાદ આવી ગયા. હવે અમે હિંમત નહી હારીએ. તેમના બલિદાનને એળે નહીં જવા દઈએ. આપણી લડાઈ ચાલુ જ રહેશે. આપણો દેશ અને આપણું રાજ ના સ્થપાય ત્યાં સુધી.’ ઉલગુલાન… ભગવાન બિરસા મુંડાને દોઢસો વર્ષના સમયના વાણા વિતી ગયા છતાં આદિવાસીઓના દિલ દિમાગમાં બિરસા મુંડા ભગવાનની જેમ આજે પણ પૂજાય છે. સાથે-સાથે આદિવાસી ભીલ સમાજના આદર સત્કારભર્યું નામ શબરીબાઈ, એકલવ્ય નામ પણ ખૂબજ જાણીતા છે. ક્રાંતિકારીઓમાં જયપાલ મુંડા, ટાંટીયા ભીલ, રાણાપુંજા ભીલ, ઝલકારીબાઈ, ભીમા નાયક, રાની દુર્ગાવતી જેવા અગણિત ક્રાંતિકારીઓ પણ આઝાદી જંગમાં સામેલ થયા હતા. દેશની આઝાદી બાદ સમય બદલાતો ગયો અને સુધારા-વધારા થકી આદિવાસીઓના જીવનમાં સરકાર દ્વારા આદિજાતિ વિભાગ શરૂ કરીને આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે અનેકવિધ પગલાં વિઝન, મિશનથી ભરવામાં આવી રહ્યાં છે. બંધારણીય હક્ક-અધિકારો પણ મળતા થયા છે.
બિરસા મુંડાની યાદમાં નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના અને એકતાનગર ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ આપણું ગૌરવ વધારી રહ્યા છે.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સમગ્ર ભારતના આદિવાસીઓના ઈતિહાસ અને શૌર્ય ગાથા અંગ્રેજો સામે જંગની અગણિત કહાનિઓ આ ટ્રાયબલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ વિશાળ મ્યુઝિયમનું બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે.
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાનાં મુખ્ય કેમ્પસનું ભૂમિપુજન/ખાતમુહુર્ત તા.૦૯/૦૮/૨૦૨૧નાં રોજ માન.મુખ્યમંત્રીશ્રીનાં વરદ્ હસ્તે કરવામાં આવેલ છે. સૂચિત મુખ્ય કેમ્પસમાં આશરે ૨૦૦૦ કુમાર-કન્યાઓ નિવાસ સહિત ૩૦૦૦ જેટલા છાત્રો આગામી સમયમાં યુનિવર્સિટીનાં માધ્યમથી આદિજાતિ સમાજમાં શિક્ષણનાં ઉચ્ચ મૂલ્યોને સ્થાપિત કરશે. કેમ્પસમાં આગામી દિવસોમાં વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, કાયદા, શિક્ષણ શાખા સહિત ટ્રાયબલ ટ્રેડિશનલ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સ્કીલ બેઝ એજ્યુકેશનમાં સ્નાતકથી અનુસ્નાતક, વ્યાવસાયિક અને પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમો ચાલુ કરવાનું આયોજન છે. સાથો સાથ યુનિવર્સિટી દ્વારા દૂરવર્તી અધ્યયન શિક્ષણ સહિતના શિક્ષણ કેન્દ્રો, આદિજાતિ ભાષા અને સાહિત્ય સંશોધન કેન્દ્ર, કારકિર્દી પરામર્શ અને નોકરીની નિયુક્તિ સહિતના તાલીમ કેન્દ્રો, વિસ્તરણ શિક્ષણ કેન્દ્ર, આદિજાતિ પેદાશોના ખરીદ-વેચાણ કેન્દ્રો (માર્કેટીંગ) અને સંચાલન માટેના કેન્દ્રોની સ્થાપના, ચલાવવા અને વિકસાવવાનું પણ આયોજન છે. સામાન્ય રીતે આદિજાતિ કલા-વારસો, સંસ્કૃતિ, ઔષધીય પદ્ધતિ, ભાષા-સાહિત્ય વગેરેને વિકસાવવા, જતન કરવા, પ્રોત્સાહન આપવા અને અંતે આદિજાતિના છાત્રો અને સમગ્ર સમાજનાં શિક્ષણના માધ્યમથી, પરંપરાઓને સાથે રાખીને શિક્ષણનો વૈભવ સામાજિક ક્રાંતિમાં પરિણમે તે ઉપક્રમ છે. પ્રથમ કુલપતિ તરીકે માન.શ્રી ડૉ. મધુકરભાઈ એસ. પાડવીની નિયુક્તિ કરવામાં આવેલ છે.
આદિવાસી વિસ્તારનુ ઐતિહાસિક અનેરુ તિર્થધામ માનગઢ
ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતુ પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાંકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજ્જારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતાયે ભયંકર બર્બરતા વ્હોરી તા.૧૭-૧૧-૧૯૧૩ના રોજ શહિદ થયેલા ૧૫૦૭ આદિવાસીઓ આજેપણ યાદ આવ્યા વિના કોઇને રહેતા નથી. ભીલોના ભેરૂ અને આદિવાસીઓના ગુરૂ ગોવિંદ અને માનગઢ સૌના મનમાં વસ્યા વિના રહેતા નથી. તેમા આદિવાસીઓની આ સ્થળે આસ્થા-શ્રધ્ધા અને ભક્તિ ભાવથી હજારો માનવ મહેરામણ માનગઢ ટેકરીએ ઉમટી પડે છે.
આ સ્થળે હવે રોડ-રસ્તા, પ્રદર્શન કક્ષ તથા સભાગૃહની વ્યવસ્થા તેમજ કિર્તી સ્થળ સ્થાપિત કર્યું છે અને ગુરૂ ગોવિંદની યાદમાં ગુરૂ ગોવિંદ સ્મૃતિ વન અને ગુરૂ ગોવિંદની પૂર્ણ કદની પ્રતિમા તેમજ અંગ્રેજી હકૂમતનુ ચિત્રાંકન કરી ઇતિહાસને દ્રશ્યના રૂપમાં અંકિત કરી આદિવાસીઓની શ્રધ્ધા અને આસ્થામાં એક ઓર વધારો કર્યો છે. પંચમહાલ-ગોધરા ખાતે ગુરૂ ગોવિંદ યુનિવર્સિટીની સ્થાપના કરીને શિક્ષણની જ્યાત તેમના નામે પ્રજ્વલિત કરી છે.
પાલ દઢવાવ હિંમતનગરથી ઉતર પૂર્વ ૮૫ કિ.મી. અંતરે વિજયનગર તાલુકો આવેલો છે, પહેલા વિજયનગર સ્ટેટ તરીકે ઓળખાતો, કેટલાક ગામો તેમાં ભેળવીને વિજયનગર મહાલ તરીકે ઓળખ મેળવી હતી.
૧૯૧૯માં જલિયાવાલા બાગ હત્યાકાંડ સર્જાયો તે ઇતિહાસ અંકિત છે, પરંતુ તેનાથી પણ વધુ ક્રૂર હત્યાકાંડ પાલ દઢવાવમાં માર્ચ ૧૯૨૨માં સર્જાયો હતો, તેમાં ૧૨૦૦ જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધી દેવાયા પણ કયાંય નોંધ લેવાઇ નહિ અને અંગ્રજોએ તેને રેકર્ડ પર અંકિત થવા ન દિધી. ૭માર્ચ ૧૯૨૨ના રોજ રાજસ્થાન રાજ્યના જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં દઢવાવ ગામે એક સભા બોલાવી તેમાં રાજસ્થાન, દાંતા, ખેરવાડા, પોશીના તથા આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા હતા. બ્રિટીશ સામ્રાજ્યવાદી લગાન વધારવાના જુલમ સામે એકઠા થયેલા લોકાનો સંદેશ જાણીને મેવાડ ભીલ કોપર્સ (એમ.બી.સી) નામના બ્રિટીશ અર્ધ લશ્કરી દળો સભાસ્થળને ઘેરીને હથિયારો સાથે ગોઠવાઇ ગયા. આઝાદીનો અવાજ દબાવવા શ્રી મોતીલાલ તેજાવતને પકડી લેવા આદેશ આપ્યો. મોતીલાલે વેરા વધારાનો પ્રચંડ વિરોધ કર્યો. અંગ્રેજ અફસર મેજર શ્રી એચ.જી.સટ્ટને ગોળીબારનો આદેશ કર્યો, જેમાં ૧૨૦૦ જેટલા આદિવાસીઓ ગોળીએ વિંધાઇ ગયા. મોતીલાલ તેજાવત અગમચેતીથી બચી ગયા, ઉંટ પર જતા તેમને હાથે ગોળી વાગી હતી. ભૂંરેટિયા નઈ માનું રે નઈ માનું ……. આઝાદીના જંગમાં અંગ્રેજ સામેની લડતને સ્પષ્ટ સંકેત આપતા આ ગીતે જબ્બર બળ પુરૂ પાડ્યું હતું.
આઝાદી બાદ મોતીલાલ તેજાવતે ત્યાં મુલાકાત લઇ હત્યાકાંડની સ્મૃતિમાં આ ભૂમિને વીરભૂમિ ગણાવી ત્યાં મોટો મેળો ભરવાનું કહ્યું હતું. તા.૨૨-૦૬-૨૦૦૩ રોજ ઐતિહાસિક શહિદગાથાની સ્મૃતિમાં તેને જીવંત રાખવા શહિદોને શ્રધ્ધાંજલી અર્પવા શહિદ સ્મારક ઉભુ કરવામાં આવ્યું છે. આ સ્થળે આજે ૧૨૦૦ શહિદોની યાદમાં ૧૨૦૦ જેટલા વૃક્ષો વાવી શહિદ સ્મૃતિવન ઉભું કરવમાં આવ્યું છે. જે આજે સુંદર રમણીય અને લીલી વનરાજીથી ખીલી ઉઠ્યુ છે અને આહલાદક નજારો અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિરાંજલી વન આજે પ્રાકૃતિક સૌંદર્ય ટેકરીઓ વચ્ચેનો રમણીય નઝારો મુલાકાતીઓને મોહી લે છે. માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ જગ્યાને ઉચિત સન્માન અનેતેની ઐતિહાસિકતાને ઉજાગર કરી છે.