પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૩૧ :સુરત જિલ્લો’
વાત જેના વગર દરેક રસોઈ અધુરી છે તેવા શાકભાજીના રાજા બટેટાની (ભાગ-૨)
પ્રાકૃતિક કૃષિની આ શ્રેણીમાં બટેટાના ભાગ-૨ની લેખમાળાને આગળ વધારીએ.
બીજ વાવવાની પદ્ધતિ
સારી રીતે ખેતર તૈયાર કર્યા પછી લગભગ 2 ફૂટનું અંતર રાખીને બેડ બનાવો. મધ્યમ પ્રકારના બીજને પસંદ કરીને બે બીજ વચ્ચે ઓછામાં ઓછી 4 થી 5 ઇંચની જગ્યા રાખીને મશીન અથવા હાથ દ્વારા વાવણી કરો. યાદ રાખો જો તમે બટેટાને સહજીવી પાકના રૂપમાં લઈ રહ્યા છો તો બીજ હાથ વડે વાવો.
પિયતનું વ્યવસ્થાપન: પહેલું પિયત: બટેટા સૂકી જમીનમાં વાવવમાં આવે છે તેથી બટેટા વાવ્યા પછી તુરંત પ્રતિ એકર 400 લીટર જીવામૃત પાણીમાં નાખીને પિયત કરો.
બીજું અને ત્રીજું પિયત
જ્યારે બીજ અંકુરિત થવા લાગે ત્યારે પ્રતિ એકર 200 લીટર જીવામૃત ઉમેરીને પિયત કરો. ત્રીજુ પિયત: બીજા પિયતના 10 થી 15 દિવસ પછી, ખેતરમાં 100 કિલો ઘનજીવામૃત ફેલાવીને પિયત કરો. ત્યાર પછી 100 લીટર પાણીમાં 20 લિટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. દરેક 10 દિવસ પછી આવી જ રીતના 2 થી 3 સ્પ્રે કરો. આ સમય દરમિયાન જો વરસાદ થઈ જાય તો પિયત આપો નહીં. જો વરસાદ ન થાય તો લગભગ 25 દિવસ પછી પિયત કરો. પિયત આપતી વખતે ધ્યાનમાં રાખો કે, પાણીથી ચાસને અડધે સુધી જ ભરો, ભેજ પોતાની મેળે જ છોડવાઓના મૂળ સુધી પહોંચી જશે. બાકીના પિયત ઋતુ પ્રમાણે અથવા તો જરૂરિયાત પ્રમાણે કરો.
રોગ જીવાતનું નિયંત્રણ:
વાદળછાયા વાતાવરણમાં તેમ જ વરસાદ કે વધુ ભેજવાળા વાતાવરણમાં બટેટાના પાકમાં ચૂસીયા પ્રકારની જીવાતનો રોગ તેમ જ કુકળનો રોગ ફેલાતો જણાય છે. તેનું નિવારણ કરવા માટે 100 લિટર પાણીમાં 5 લિટર ખાટી છાશ (5 થી 7 દિવસ જૂની) ભેળવીને છંટકાવ કરો. જો વધુ પડતી ઠંડી (હીમ) પડે તો બટેટાને પિયત આપો જેનાથી બટેટાના પાક ઉપર ઠંડીની અસર ઓછી થશે.
નિંદામણનું નિયંત્રણ:
દરેક પાકમાં નિંદામણનું નિયંત્રણ કરવું બહુ જ જરૂરી છે. કારણ કે, નિંદામણ જમીનમાંથી તાકાત અને ભેજ ખેંચી લે છે. જેનાથી પાકનું ઉત્પાદન ઘટી જાય છે. બીજું તેને કાઢવામાં મજૂરી ખર્ચ બહુ જ લાગે છે. આચ્છાદન કરીને નિંદામણનું નિયંત્રણ કરી શકાય છે. બેડની વચ્ચેની જગ્યા કે, જ્યાં છોડ હોતા નથી. ત્યાં પાકના સુકા અવશેષોનું આચ્છાદન કરો. તેમ જ બટેટાનો છોડ બે ત્રણ ઇંચનો થઈ જાય પછી તેની વચ્ચે પણ પાકના અવશેષોનું આચ્છાદન કરશો તો નિંદામણ થશે નહીં. જ્યાં આચ્છાદન શક્ય બને નહીં ત્યાં નિંદામણને સમયે સમયે દૂર કરતા રહો. બટેટાનું નિંદામણ અને ગોડ કરતા રહો.
બટેટાનો સંગ્રહ:
બટેટા બહુ ઝડપથી ખરાબ થઈ જાય તેવો પાક છે. તેથી તેનો સારી રીતે સંગ્રહ થઈ શકે તેવી વ્યવસ્થા હોવી બહુ જ જરૂરી છે. પર્વતીય વિસ્તારોમાં ઓછું તાપમાન હોવાને લીધે ત્યાં સંગ્રહ કરવાની કોઈ વિશેષ સમસ્યા રહેતી નથી. સંગ્રહ કરવાની સમસ્યાઓ ખાસ કરીને સપાટ મેદાની વિસ્તારોમાં રહેતી હોય છે. મેદાની વિસ્તારમાં બટેટાને ખરાબ થતા બચાવવા માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂરિયાત રહે છે. આ કોલ્ડ સ્ટોરેજમાં તાપમાન 6 થી 8 ડિગ્રી સેલ્સિયસ અને જરૂરી ભેજનું પ્રમાણ 90 થી 95 ટકા રહેવું જોઈએ.
